Erin Brockovich (૨૦૦૦) x કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓ

 



આ જગતમાં રોજગાર જંખતો માણસ ગમે તેવી પરિસ્થિતીમાં કોઈપણ ક્ષેત્રમાં રોજગાર મેળવી લે છે. જેની પાસે રોજગાર નથી, તેમના પસંદગીના ધોરણો ચોક્કસ છે અથવા તો કામ કરવાની ધગસ નથી.

 

એરિન બ્રોકોવીચ(જુલિયા રોબર્ટ્સ) એકલી માતા છે, જેના ત્રણ સંતાન છે. પતિથી અલગ થયા બાદ નોકરી કરવાની તેને ફરજ પડે છે. એરિન પાસે કોઈ ડિગ્રી, ઉચ્ચ અભ્યાસ/કાર્યનો અનુભવ નથી. તે નોકરી માટે વલખાં મારે છે. વચગાળામાં તેનો અકસ્માત થાય છે અને કોર્ટમાં કેસ કરે છે. અકસ્માતનો કેસ તે હારી જાય છે અને આકસ્મિક રીતે વકીલની ફર્મમાં નોકરી લાગે છે. હંમેશા બોલ્ડ અંદાજથી રહેવાવાળી એરિનની કપડાંની પસંદગી અને ગરમ મિજાજના કારણે તે અન્ય સહકર્મીઓ સાથે હળીમળી નથી શક્તી. એરિનના હાથમાં પ્રથમ કેસ પીજી&ઇ(પેસિફિક ગેસ & ઇલેક્ટ્રીક) રિયલ એસ્ટેટનો આવે છે. આ કેસ પર તે પોતાની ઈચ્છા અને કુશળતા મુજબ તપાસ કરે છે, કેસનો અંતિમ નિષ્કર્ષ અમેરિકાના ઇતિહાસમાં સૌથી ઝડપથી ન્યાય મેળવવા માટે યાદગાર બની જાય છે.

 

એક મહાવિશાળ કંપનીની ઈરાદાપૂર્વકની ભૂલ(ન્યાયાલય મુજબ) લોકો માટે પ્રાણઘાતક બની જાય છે અને વકીલ કેવી રીતે ન્યાય અપાવે છે. તેની ઓળઘોળ ફિલ્મમાં ઘટના રચાય  છે. આ કેસ પર કામ કરતાં કરતાં એરિનનું અંગત જીવન ખોરવાય છે. એરિન જે રીતે વ્યવસાયિક-વ્યક્તિગત જીવન સંભાળે છે, તે બાબત દર્શકોને પ્રભાવિત કરી મૂકે તેવી છે.

 

ફિલ્મનુ મુખ્ય પાત્ર ટાઇટલ મુજબ એરિન બ્રોકોવીચ છે. એવી જૂજ ફિલ્મો હોય છે, જેમાં કોઈ અભિનેત્રી કથાના મુખ્ય પાત્ર સ્વરૂપે દર્શાવામાં આવી હોય(સ્ત્રી બાયોગ્રાફિક ફિલ્મોને બાદ કરતાં). ધી ઈંટર્ન(૨૦૧૫) નામની એક ફિલ્મમાં જુલ્સ(એન હાથવે) મુખ્ય પાત્રની ભૂમિકામાં જોવા મળે છે. ધી ઈંટર્ન વિશિષ્ટ કોન્સેપ્ટ પર બનેલી ફિલ્મ છે. ફિલ્મમાં બેન(રોબર્ટ દે નીરો) નિવૃત્ત વૃદ્ધ હોય છે, તેને એક સફળ સ્ટાર્ટપ કંપનીમાં ઈંટર્ન(નોકરીની અજમાયશ માટે નિમવામાં આવેલ કર્મચારી) તરીકે પસંદગી થાય છે. આપણાં ત્યાં યુવાનોને રોજગારની ઉણપ દેખાય આવે છે, અમેરિકા નિવૃત્ત માણસોને રોજગાર આપવાની વાત કરે છે. ચોક્કસ વિકસિત દેશોનું વાતવારણ મનોરંજન પર મોટો ભાગ ભજવે છે.

 

ભારતીય સિનેમામાં આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મો હશે જેમાં નાયક કરતાં નાયિકા વધારે અસરકારક દેખાડવામાં આવી હોય. તેવી એક હિન્દી મનોરંજક ફિલ્મ જે મારા ધ્યાનમાં આવી તે છે કહાની. વિદ્યા બાલન અભિનીત આ ફિલ્મ ગજબ થ્રીલર છે. સાંપ્રત ભારતીય સિનેમામાં સ્ત્રીઓનું વસ્તુલક્ષી નિરૂપણ કરવામાં આવતું હોય છે. મને ખ્યાલ છે, આ મુદ્દા પર ઘણી ચર્ચાઓ થઈ ચૂકેલી છે માટે એમાં વધારે અંદર નહીં જઉં પણ એક પ્રશ્ન ચોક્કસ થાય છે, ફિલ્મોમાં કેમ આઈટમ ગર્લ/નંબર ગીતમાં સ્ત્રીને જ દેખાડવામાં આવે છે, આઈટમ બોય ગીત કેમ નહીં? નારિવાદી લોકોએ આવી ડિમાન્ડ કરવી જોઈએ.

 

મુખ્ય વાત. દેશની કથળતી અર્થવ્યવસ્થાને ઉપર લાવવા આપણે વધારેને વધારે હ્યૂમન રિસોર્સ જોઈશે. જેટલો વધારે રોજગાર એટલો ઓછો રૂપયો ઉદ્યોગપતિઓના ખાતામાં પડ્યો રહેશે. જેથી કદાચ કૌભાંડો ઓછા થઈ શકે.(આ મારી મનઘડત થીયરી છે, કદાચ વાસ્તવિકતા જુદી હોય શકે છે.) પણ સ્ત્રીઓના વધતાં રોજગારથી બીજી ઘણી સકારાત્મક બાબતો થશે. એક: પુરુષપ્રધાન સમાજ કહેવાતી છાપ ભૂંસાશે. ઘરમાં રૂપિયો કમાઈને લાવી મિથ્યાભિમાન કરતાં કેટલાક પુરુષોના પૂર્વગ્રહો અને વાસ્તવિકતા વચ્ચે અંતર દેખાઈ આવશે. બે: સ્ત્રીઓ આત્મ નિર્ભર બનશે, અફકોર્સ! ત્રીજું: બાપુના પૈસા પર લીલાલેર કરતાં નબીરા-નબીરીઓને કઈક અસર થશે. ચોથું: કામ કરતી સ્ત્રીઓને જોઈ ઘરે અમસ્તી બેસી રહેતી મહિલાઓને ચિંતન કરવા માટે કઈક મળશે. પાંચમું: કોઈના પર(ખેડૂતો-ટીવીવાળા સિવાય) પરોપજીવી બનીને નહીં રહેવું પડે. છેલ્લું અને ખાસ છઠ્ઠુ: જેમ રશિયામાં ઔધોગિકક્રાંતિ આવી હતી, તેમ જો ભારતીય જનતા વધારે રોજગાર ઊભો કરે તો વ્યવસાયિક ક્રાંતિ આવી શકે છે. જેટલો વધારે વ્યવસાય-વ્યવહાર તેટલો જ વધારે પૈસો દેશમાં ફરતો રહેશે> જેટલો વધારે પૈસો ફરતો રહેશે એટલો વિદેશી બેન્કોમાં કાળા નાણાં ભેગા થવામાં ઘટાડો થશે> વધતાં રોજગારથી ઉત્પાદન વધશે> વધતાં ઉત્પાદનથી નિકાસ વધશે> વધતાં નિકાસથી અર્થવ્યવસ્થા સુધરશે> અર્થવ્યવસ્થા સારી થતાં ટેક્ક્ષ ઓછો ભરવો પડશે> ટેક્ક્ષ ઓછો થતાં ઉત્પાદનની કિંમત ઘટશે> કીમ,ત ઘટતા લોકો વધુ વસ્તુઓ ખરીદશે> વસ્તુ ખરીદવા સ્ત્રીઓ પાસે પોતે કમાયેલો પૈસો હશે> તેથી વધુ વસ્તુઓ વસાવી શકાશે> વસ્તુ વેચાતા માંગ વધશે> માંગ વધતાં ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધારવા વધુ રોજગાર જોઈશે. આ લૂપ કાર્યરત થશે તો વ્યક્તિગત રીતે અને સમાજ તરીકે સૌ આગળ વધી શકીશું. પણ આના માટે શરત એ જ કે આપણે એવી વસ્તુઓ વધારે ખરીદવાની ટેવ પાડવી પડે જેનું ઉત્પાદન દેશમાં થતું હોય. વિદેશી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરીશું તો વિદેશથી આયત ઘટશે. જો સરકાર આયાતના નાણાં બચાવશે તો કદાચ ભવિષ્યમાં નાગરિકો માટે તેનો સારો ઉપયોગ થઈ શકે. હાલમાં બ્હારથી થતાં આયાતનો ટેરિફ હ્રદય બેસાડી તેવો છે. કંજુસાઈથી નહીં પણ કરકસાઈથી જીવવાનો જ આ શ્રેસ્થ સમય છે.

 

આ તો થઈ સ્ત્રીઓના લાભની વાત. આના સિવાય કંપનીઓને તો બહુ મોટો ફાયદો છે. કોર્પોરેટમાં સ્ત્રીઓ વધારે કુશળતાથી દમ લગાવીને કામ કરે છે. ઓફિસમાં જે પુરુષને રસ નહીં હોય તે કામ નહીં કરે અથવા થોડું કરશે અથવા ગડબડ કરશે. બીજી તરફ મેં આંખે જોયેલા નિરીક્ષણ મુજબ એવી કોઈ સ્ત્રી (હજુ સુધી) નથી જોઈ જે ઓફિસમાં કામ ન કરતી હોય. હા, તેનાથી કામ ન થતું હોય તે વાત અલગ છે. છતાં, ટાર્ગેટ અચિવ કરવાના તેના ખરા પ્રયત્નો દેખાઈ આવે જ. જે સ્ત્રીઓને નોકરી ન ગમતી હોય તે પણ એનું કામ પૂરું કરે. કોર્પોરેટમાં કામ કરતી સ્ત્રીઓમાંથી આ એક બાબત શીખવા જેવી છે. વેતનને ન્યાય આપવો.

 

સફળ પુરુષોની જીવનકથા કરતાં સફળ સ્ત્રીઓની જીવનકથા અલગ હોય છે. છેલ્લા ચાર-પાંચ વર્ષોથી ઉદ્યોગસાહિસકોમાં ઘણી ભારતીય સ્ત્રીઓ પણ છે. તેઓ એસિયા અને વૈશ્વિક સ્તરે મોખરે છે. જે કુલ(cool) બાબત છે અને ઘણી પ્રેરણાદાઈ પણ. ક્યાંક વાંચ્યું હતું દક્ષિણ ભારતમાં પીઝા હટ ખૂલ્યું. જે સંપૂર્ણ રીતે સ્ત્રીઓ દ્વારા ચલાવામાં આવી રહ્યું છે. પીઝા બનાવાથી લઈને ડિલિવરી કરવા સુધીની બધી પ્રોસેસ સ્ત્રીઓ કરે. આનાથી સારું આત્મનિર્ભરતાનું પ્રમાણ બીજું શું હોય શકે?

 

મારા એક મોટાભાઇ મને કહેતા કોઈપણ વ્યવસાય કરવા માટે ધગસ અને મગજ જોઈએ. એ બંનેમાંથી જો કોઈ એકની પણ કમી હોય તો તે વ્યવસાયનો સૂર્યાસ્ત નજીક જ સમજજો. સ્ત્રીઓ વિષે પૂર્વગ્રહ બાંધ્યા છે કોઇકે. કે તેઓ સરખું કામ ન કરે, પુરુષો વધારે પ્રબળતાથી કરી શકે. તેમને એમાં ખબર ના પડે. પણ હવે એવું ઓછું થયું છે, સ્ત્રીઓને બહુ બધી ખબર પડવા લાગી છે. તેમ છતાં, કેટલાક અંશે એ વાત સાચી એટલા માટે હોય શકે છે, કારણ મોટાભાગની સ્ત્રીઓનો વ્યવસાય સેફટી નેટ ઉપર થતો હોય છે. તેણી મોડર્ન હોય અથવા મોકળા મનના લોકો વચ્ચે રહેતી હોય તો તે નોકરી કરે પણ આ પરિસ્થિતિમાં તે પોતાના માટે કમાય છે. તેના કમાયા વગર ઘર ચાલતું અટકી જશે, એવું નહીં બને તે વાત ક્યાંક મગજનો કોઈક ખૂણે આરામ કરતી હોય છે, માટે તે સ્ત્રીઓની કામ કરવાની સંકલ્પશક્તિ પણ આરામ કરવા લાગે છે, તેણી કામને લઈને વધારે લોડ લેવાનું ટાળે છે. આ બાબતના સારા-ખરાબ બંને પાસા છે. સારૂ એ કે તે તેનું કામ કુશળતાથી કરશે/પ્રયત્ન કરશે અને બીજું: આ જ વાત તેની લિમિટેશન બની જાય છે. જેટલું કરવાનું હોય એટલું અથવા એવરેજ કાર્ય કરે. જ્યારે પુરુષોમાં ડિસ્કવરીમાં ફાઇટ ફોર બાઇટ આવે એવી જંગ લાગેલી હોય છે. માટે કમર કસ્સીને અપ્રેઝલના ગાજર પાછળ દોટ મૂકે છે.

 

મહિલાઓ જ્યારે પુરુષો વાળી કેટેગરીમાં આવી જાય, જ્યાં રોજગાર તેમના ગુજરાન માટે એકમાત્ર વિકલ્પ હોય ત્યારે તે સ્ત્રી કમાલ કરી બતાવે છે. ભલે પછી તે ફિલ્ડનો અભ્યાસ કે અનુભવ ન હોય તો પણ. ત્યારે એરિન બ્રોકોવીચ જેવી શાનદાર બિઝનેસ વુમન ઇતિહાસ બનાવી નાખે છે. વ્યવસાયને શોખ અથવા અભિરુચિ માટે મહત્વકાંક્ષી હોય તેવી સ્ત્રીઓ કેટલી?

 

ભારતમાં પહેલાથી જ સ્ત્રીઓનું વ્યવસાય કરવું. તે બાબત વિવાદાસ્પદ રહેતી આવી છે. આ ફિલ્મ તે દરેક લોકો માટે છે, જેમને સ્ત્રીઓના નોકરી કરવા કે ન કરવા સંબંધિત દ્રઢ વિચારો છે. ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સ એટલે કે એરિન ખાસ મેકપમાં જોવા નથી મળતી છતાં, તે આકર્ષક અને રસપ્રદ લાગે છે. સ્ક્રીન પર તેનો રોષ, તેનું તામસીપણું શ્રેષ્ઠ અભિનયનું ઉત્તમ ઉદાહરણ છે.

 

હું આ ફિલ્મને ૭ સ્ટાર આપું છું.

 

-કીર્તિદેવ





Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ