The Trial of The Chicago Seven (૨૦૨૦) ફિલ્મ રિવ્યુ x સાંપ્રત ભારતની રાજનીતિ
"If
Blood Is Going to Flow, Let It Flow All Over the City!" અર્થાત્
જો લહું વહેવાનું છે, તો આખા શહેરમાં વહેવા દો! -ટોમ હેડન
આવા શબ્દો કોઈ આગેવાન સરકાર સામે આંદોલન કરતી વેળાએ ટોળાને સંબોધીને
કહે તો કેવું ખોફનાક ક્રૂર રમખાણ થઈ શકે છે. તેનું વાસ્તવિક ફિલ્મી રૂપાંતરણ એટલે ધી
ટ્રાયલ ઓફ ધી શિકાગો સેવન. અમેરિકાના ઇતિહાસમાં 'ટ્રાયલ સેવન' કેસ જેવો કોર્ટરૂમ ડ્રામા હજુ સુધી નથી રચાયો. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ૧૯૬૮માં અમેરિકા-વિયેતનામ યુદ્ધ વખતે અમેરિકન સૈન્ય નબળું પડી રહ્યું હતું, સિપાહીઓ મરાઈ રહ્યા હતા. વધુ સૈન્ય ભરતી કરવાની જરૂર પડી. તે સમયે એલ. જોન્સન દેશના
પ્રેસિડેન્ટ હતા. તેમણે દેશની જનતાને વિનંતી કરી દેશભક્તિરૂપે, અમેરિકા માટે, તમારા રાષ્ટ્ર માટે દુશ્મનો સામે લડો, વિયેતનામ એ દેશ
જેણે આપણી સેનાના હજારો સૈનિકોને માર્યા. તેમની સામે લડવા જોડાવ. જોન્સને સામાન્ય
નાગરિકોને સૈન્યમાં જોડાવા વિનંતી કરી.
ઘણા દેશવાસીઓને લાગતું હતું વિયેતનામ સાથે યુદ્ધ ચાલુ ન રાખવું જોઈએ. તે દેશ આપણાં
માટે જોખમરૂપ ન હતો, તો તેમના પર
ચઢાઈ કરવી અયોગ્ય હતું. ૧૯૬૦થી ચાલી આવતી anti-Vietnam war નામની ચળવળમાં અઢળક લોકો જોડાયા. મોટાભાગના અમેરિકન પ્રેસિડેંટ જેમ સત્તા મજબૂત
કરવાનો જનુન પ્રેસિડેન્ટ જોન્સનને પણ લાગ્યો હતો. અમેરિકાનું વર્ચસ્વ સમગ્ર
દુનિયાને દેખાડવા તેમણે વિયેતનામ સામે યુધ્ધ ચાલુ રાખ્યું.
પ્રેસિડેન્ટના આ નિર્ણય સામે દેશના અલગ-અલગ
રાજ્યોમાંથી અલગ-અલગ જાતિ અને વર્ણના ૧૫૦૦૦(પંદર હજાર) જેટલા લોકો સરકાર સામે
શાંતિપૂર્ણ વિરોધ દર્શાવવા મિલેનિયમ
પાર્ક આવી જાય છે. યોજના મુજબ પ્રદર્શન રેલી મિલેનિયમ પાર્કથી ડેમોક્રેટિક
નેશનલ કનવેંશન સેન્ટર(શિકાગો) જવાની
હતી. મિલેનિયમ પાર્ક ભેગા થયેલા લોકો
એકબીજાને વ્યક્તિગત રીતે ન હતા ઓળખતા પણ તેમનો
ઉદ્દેશ્ય એક હતો. એબી હોફમેન, ટોમ હેડન અને તેના મિત્રોએ આંદોલનકારીઓની આગેવાની હાથમાં
લીધી અને યોજના-વ્યવસ્થાનું
ધ્યાન રાખ્યું. જે દિવસે પ્રદર્શન કરવાનું હતું, તેની આગલી રાતે ટોમ હેડન અને એબી હોફમેન ટોળાને
સમગ્ર યોજના સમજાવે છે. તે રાતથી જ પોલીસ સાથે અથડામણ શરૂ થઈ જાય છે. લગભગ ૧૨૦૦૦(બાર હજાર) જેટલા પોલીસકર્મીઓ અને સુરક્ષાદળ
શિકાગો મૂકવામાં આવે છે.
પ્રદર્શનના દિવસે દસ હજાર જેટલા પ્રદર્શનકારીઓ મિલેનિયમ પાર્કથી કન્વેન્શન
સેન્ટર જવા ઉમટી પડ્યા. રસ્તામાં જ પોલીસ તેમને અટકાવે છે. કન્વેન્શન સેન્ટરને
ચારે તરફથી પોલીસ-રક્ષક દળ ઘેરીને ઊભા રહી જાય છે. પોલીસ સાથે અથડામણ ન થાય એટલે
આંદોલનકારીઓ પાછા વળે છે. તેઓ મિલેનિયમ પાર્ક પાછા ફરે છે, અહીં આંદોલનકારીઓ અલ્પકાલિક આવાસ કરતાં
હતા. પોલીસ તેમને અંદર આવવા રોક લગાવે છે, સૌને અહીંથી
ચાલ્યા જવા કહે છે. સૌ પ્રદર્શનકારીઓ તેમના આગેવાન ટોમ હેડનની આજ્ઞાની પ્રતિક્ષા
કરે છે. ટોમ કોઈ સૂચના આપે એ પહેલા પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે તીવ્ર અથડામણ થાય
છે. જેમાં ઘણા લોકો ઘવાયા, કેટલાકના જીવ ગયા. ઘણા
પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા. ઘર્ષણમાં બળાત્કારના પ્રયાસ જેવી ઘટના પણ બને છે.
આંદોલનના મુખ્ય સૂત્રધાર Abbie
Hoffman, Jerry Rubin, David Dellinger, Tom Hayden, Rennie Davis, John Froines and
Lee Weiner કુલ સાત જણની પોલીસ
ધરપકડ કરે છે. આ ફિલ્મની પૃષ્ઠભૂમિ હતી. ફિલ્મ અહીંથી શરૂ થાય છે.
કોર્ટની અંદર સાતેય આરોપીઓને હાજર કરવામાં આવે છે.
જેમ આગળ જણાવ્યુ તે સૌ પ્રદર્શન પહેલા ક્યારેય મળ્યા ન હતા કે ન એકબીજાને જાણતા
હતા. કોર્ટમાં તેમના પર ખોટા આરોપ લગાડવામાં આવે છે. કોર્ટરૂમમાં જાણે અજીબ નાટક
ચાલતું હોય એવી ઘટનાઓ બને છે. આ યુવાનોને બદનામ કરવા, ખરાબ ચીતરવા, તેમની
જિંદગી બરબાદ કરવા સરકારી અધિકારી કોઈ કસર બાકી નથી રાખતા. તેના પરિણામમાં એક
આરોપીના સાગરીતનું કતલ કરી દેવામાં આવે છે. ફિલ્મ આવી બધી રોચક ઘટનાઓથી આગળ વધે
છે. પાત્રોના દમદાર ડાઈલોગ અને સારો અભિનય જોવા મળે છે.
ખાસ, વાત મને આ ફિલ્મમાં એ ગમી કે તેનું પ્રેસેંટેશન ખૂબ જ સરસ રીતે કર્યું
છે. મેં જેમ ઉપર સીધી અને સરળ રીતે જણાવ્યુ એમ નહીં પણ કોર્ટમાં જેમ-જેમ કાર્યવાહી
થાય છે, તેમ-તેમ સાચી ઘટના દેખાડવામાં આવે છે. જેના કારણે
આગળ જાણવાનો રસ જળવાઈ રહે છે. બીજી સારી બાબત એ છે આ ફિલ્મમાં કોઈ પાત્રને
સારો-ખરાબ બતાડવામાં નથી આવ્યો. તટસ્થ રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ માણસ
સંપૂર્ણ રીતે સારો કે સંપૂર્ણ ખરાબ નથી હોતો. દરેક નેતા અને આગેવાનમાં પણ સારી અને
ખરાબ બંને બાબતો રહેલી હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને જ ફિલ્મ તટસ્થ બની છે.
તમારા મિત્રને લોહી લુહાણ કરી દેવામાં આવે વગર
કારણે તો જરૂર માણસને ગુસ્સો આવે. આ માનવ સહજ વૃત્તિ છે પણ તેનાથી તેનું
વ્યક્તિત્વ નક્કી કરવું વ્યાજબી નથી. પોતાના મિત્રના શરીરમાંથી નીકળતા લહુને જોઈ
રોષે ભરાયેલો ટોમ હેડન ટોળાં સામે ભાષણમાં બોલી જાય છે: "If Blood Is Going to Flow, Let
It Flow All Over the City!" અને
ટોળું એ પ્રમાણે વર્તે છે. હવે, નક્કી લોકોએ કરવાનું, શું ટોમ એક અરાજકવાદી હતો? શું તે પ્રદર્શન પોતાના
સ્વાર્થ માટે કરી રહ્યો હતો? જેવા ઘણા સવાલ ઊઠે છે અને મળતા
પુરાવા પણ એ દિશામાં સંકેત આપે છે. કોણ કેટલું સાચું અને કોણ કેટલું યોગ્ય છે એ તો
તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.
ફિલ્મ જોયા બાદ મને આપણાં દેશની રાજનીતિ અંગે વિચાર
આવ્યો. આપણાં રાજનેતાઓ નબળા તર્કની વાતોથી કેટલા મોટા ભેદ ઊભા કરી નાખે છે. ભારત
દેશની મોટાભાગની જનતા ભોળી છે. જે દેખે છે તે માની લે છે. ઘટનાઓ પાછળનું
પ્રયોજન-ઈરાદા-ભાવના સમજી નથી શક્તી. જેમ એક પ્રેમસંબંધમાં સામે પાત્રનું અન્ય
સાથે લફરુ હશે, તેવી ઇનસિકયોરિટી રહી
હોય છે. જેના કારણે સંબંધમાં ઝેર ઘોળાય છે. તેવી જ રીતે દેશવાસીઓ ધર્મને લઈને
ઇનસિકયોર થઈ ગયા છે. (કેટલાક લોકો ઉદાહરણ લિટરલ વેમાં ન લે એટલે વધુ સાફ રીતે લખું
છું ધર્મનું ખંડન થઈ જવાનું ગાજર રાજનીતિથી લટકાવામાં આવી રહ્યું છે.) મને એ નથી સમજાતું
સદીઓથી ભારત પર બ્હારના દેશોએ હુમલા કર્યા, અંગ્રેજોએ લગભગ
૩૦૦ વર્ષ રાજ કર્યું ત્યારે પણ ક્યારેય કોઈ ધર્મ ખંડિત ન થયો કે કોઈ ધાર્મિક એકતા ન
તૂટી. અને અત્યારે એ બાબતોનો ભય ઊભો કરવામાં આવે છે? જ્યારે
દેશ આઝાદ છે, લોકશાહી છે. ઇતિહાસ જોઈ લો દેશને હંમેશા
બ્હારથી જ જોખમ આવ્યું છે અંદરથી નહીં અને સાંપ્રત સમયમાં પણ જોખમ બ્હારથી છે
અંદરથી નહીં.
આતંકવાદ, નક્સલવાદ વધી રહ્યો છે, ચાઈનાની ઘૂસણખોરી વધી રહી
છે. તેના પર પ્રશ્નો નથી ઉઠી રહ્યા. બેકારી અને રોજગારને લઈ લોકો એટલા સંવેદનશીલ
નથી જેટલા ધાર્મિક લાગણીઓને લઈને છે. જરૂરી શું છે? મને
અફસોસ થાય છે આપણી પાસે ટોમ હેડન અને એબી હોફમેન જેવા પૂરતા યુવાનેતા નથી, જે સરકાર સામે અવાજ ઉઠાવે. પ્રશ્નો પૂછે. સરકારને પ્રશ્ન પુછવો દેશના
દરેક નાગરિકની ફરજ છે. તમને ગમતું રાજનૈતિક દળ હોય કે ન હોય. પ્રશ્ન તો પૂછવા જ
જોઈએ. જો ખરાબ કામ કરે તો પ્રશ્ન પૂછો. સારું કામ કરે તો પણ પ્રશ્ન પૂછો. તેમણે જે
સારું કામ કર્યું, એ લોન લઈને કર્યું છે? અને લોન લીધી છે તો દરેક નાગરિકના માથે કેટલું દેવું આવશે? (તમને ખબર છે બધા ભારતીયોના માથે કેટલું રાષ્ટ્રીય દેવું છે? ગૂગલ કરજો. મજા-વ્યથા આવશે.) સારું કામ કોઈ સંસ્થા વેચીને કર્યું છે? કે નાગરિકોને રાજી રાખવા અમસ્તું કરવામાં આવ્યું છે? આ પ્રશ્નો પૂછવા જરૂરી છે. જેથી ચૂંટાયેલા નેતાને ધ્યાન રહે કે દરેકની
નજર છે તેમના પર, તેમને લાગે નાગરિકો તેમની પૂછવાની ફરજ
નિભાવે છે પણ આપણે આપણી પૂછવાની ફરજ ચૂકીએ છીએ ત્યારે નેતાઓ મનફાવે એમ નુકશાન કરે
છે. નુકશાન દેશને, અર્થવ્યવસ્થાને અને મારા જેવા કોમનમેનને
થાય છે. બાકી, રાજનીતિ કરવાવાળા અને ધંધા-ઉદ્યોગોવાળા તેમના
રોટલા શેકીને જતાં રહે છે. લટકી રહે છે મિડલમેન. ‘ને એ જ
મિડલમેનને ધર્મનો ભય બતાવી વાસ્તવિક સમસ્યાથી વિમુખ કરી દેવામાં આવે છે. બિચારા
મિડલમેન હોંસે હોંસે ફોસલાઈ જાય છે. ફક્ત તમને જે રાજનૈતિક દળ ન ગમતું હોય એને જ
નહીં જે કોઈ દળ ચૂંટાઈને આવે તેને પ્રશ્ન પૂછવા જ જોઈએ નહીંતર દરેક નાગરિકની હાલત
રાજા ભોજ જેવી થઈ જશે. કો’ક સંપૂર્ણ પારદર્શક કપડાં પહેરાવી
મૂર્ખ બનાવી દેશે.
ધર્મ અને રાજનીતિ વિષે વધુ નહીં લખી શકું, યોગ્ય વાત જાણીને કોઇની લાગણી દુભાઈ શકે
છે. માટે મને મારા પપ્પાએ આવા મુદ્દા પર લખવાની ના પાડી છે. હું કોઈ ધર્મ, રાજનૈતિક દળ કે સંસ્થાનો સમર્થક નથી. છતાં, આજે
મારે લખવું પડ્યું કારણ આ દેશમાં યુવાનો/યુવતીઓ સરકાર સામે પ્રશ્ન નથી કરી રહ્યા.
એક વાર્તાકાર તરીકે મારા ભાગમાં સારી સારી વાર્તાઓ લખવાનું આવે છે. આ મુદ્દા અલગ
છે પણ કોઈ આ બાબતોની ગંભીરતા જાણીને કે અજાણીને બોલતું નથી, જિજ્ઞાસા
ઓછી છે? કે પૂછતું પણ નથી. તો મારે મારી ફરજ પૂરી કરવી પડે
ને? અન્યોની જેમ હું મારી ફરજ નહીં ચૂકું. કારણ હું મારી
જન્મભૂમિને ઘણો પ્રેમ કરું છું. દેશને ઉજ્જવળ અને સમાજને સમૃદ્ધ બનાવા કેવા
યુવાનો-આગેવાનો હોવા જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા ‘ધી
ટ્રાયલ ઓફ ધી શિકાગો સેવન’ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મનું છેલ્લું દ્રશ્ય રૂવાટા ઊભા થઈ જાય તેવું
ઉત્તમ અને કરૂણ છે. પાવર, દેશભક્તિ, માનવતા, યુવાનેતા અને રાજનીતિ. સર્વ બાબતોને આવરી
લેતી આ ફિલ્મ બેસ્ટ કોર્ટડ્રામા ફિલ્મોમાંની એક છે. સાત જેટલા ઓસ્કાર નોમિનેશન આ
ફિલ્મને મળ્યા છે અને ૮૩ એકેડેમીક એવોર્ડ જીતી ચૂકી છે.
હું આ ફિલ્મને ૮ સ્ટાર
આપું છું.
-કીર્તિદેવ
Comments
Post a Comment