THE BATMAN (૨૦૨૨)

 


સવારે ઊંઘીને ઉઠ્યો અને ફોનમાં જોયું આજે ધી બેટમેન મૂવી રીલીઝ થયું. તરત બુક માય શો ખોલ્યું અને અર્ધસભાન અવસ્થામાં બીજું કઈ વિચાર્યે ટિકિટ બુક કરી નાખી. પછી હું નાહવા ગયો. બ્હાર આવી ફોનમાં જોયું તો ૬૧૩.૭૨ રૂપિયા અકાઉન્ટમાંથી કપાયાનો મેસેજ હતો. મને મનમાં પ્રશ્ન થયો આટલા બધા રૂપિયા મેં ક્યાં વાપર્યા? તો મેસેજમાં લખ્યું હતું તમે ફિલ્મની ટિકિટ ખરીદી. મેં કહ્યું મેં ધોળી સાંજના શોની ટિકિટ બુક કરી છે, રાતનો શો હોય તો વાત અલગ છે સાંજના શોના આટલા રૂપિયા? મારા એકની જ ટિકિટ બૂક કરી છે ને? તો કે હા એક જ ટિકિટનો આ ભાવ છે. પછી મેં ટિકિટની માહિતી વાંચી. ફિલ્મ 4D છે. હવે, પૈસા આપી જ દીધા છે તો 4D ફિલ્મનો અનુભવ પણ હવે કરી લઈએ. 3Dમાં જોવાનો મોળો અનુભવ મેળવ્યા પછી 4D નામ સાંભળી મારો ઉત્સાહ ઓછો થઈ ગયો પણ 4Dમાં જોયા બાદ મારૂ મંતવ્ય બદલાયું. પરદા પર દેખાતું MOTION, LIGHT, BUBBLE, WIND, WATER, SNOW, SCENTનું સંવેદન તમે અનુભવી શકો એ માટે થિયેટરમાં અલગથી પંખા, લાઇટ્સ, ફુવારા, ધુમાડા અને સેંટના સ્પ્રેની વ્યવસ્થા છે. જ્યારે પરદા પર ગાડી જતી હોય તો સીટ પણ એ દિશા તરફ નમે, ફાઇટ ચાલતી હોય તો તેની મુવમેંટ ખુરશીમાં અનુભવી શકો. હિરોઈન ચાલતી આવી તો એના સેન્ટની સોડમ આખા થિયેટર હોલમાં પ્રસરી ગઈ. ફિલ્મમાં વરસાદનો સીન આવ્યો તો થોડા છાંટા મારા પર પણ પડ્યા. ધી બેટમેન 4DX થિયેટરમાં જોવાનો નવ્ય અનુભવ માણવો જોઈએ. ૬૧૩.૭૨ રૂપિયા વસૂલ છે. મને મજા આવી.

 

હવે ફિલ્મની વાત,

બધા સુપરહીરોમાં વાસ્તવિક માણસ જેવો કોઈ કન્વીન્સિંગ હીરો હોય તો તે બેટમેન છે. માટે બેટમેન કદાચ જ એવો હીરો છે, જેના પર કોમિકથી અલગ વાર્તા દર્શાવતી ફિલ્મો જોવા મળે છે. (ધી ડાર્ક નાઈટ, ડાર્ક નાઈટ રાઈસિસ અને બેટમેન ૨૦૨૨)

 

અત્યાર સુધીની બેટમેન સિરીઝની ફિલ્મોમાં ગુંડા-મવાલી, માફિયા અને ગેંગ્સની ગુનાખોરી પ્રવૃત્તિઓ સામે બેટમેનને લડતો દેખાડ્યો છે. આ વખતે સિક્કાની અન્ય બાજુ દેખાઈ છે. ગુંડાઓની આડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ છાવરતા સરકારી અને સુરક્ષા સંસ્થાઓના વ્હાઇટ કોલર નેતા-અફસરો સંલગ્ન હોય છે, જેના હાર્દમાં વેઇન ઈંટરપ્રાઇઝ જવાબદાર હોય છે. મર્ડર મિસ્ટ્રીને ઉકેલતો બેટમેન રીડલર દ્વારા પોતાના જીવનના ડાર્ક/કડવા તથ્યો જાણે છે. ઘટનાઓના અન્ય પાસા દર્શકને મૂંઝવણમાં મૂકી શકે છે કોણ સાચું અને કોણ ખોટું? ફિલ્મ ધ ડાર્ક નાઇટમાં જેમ વિલન અંતમાં અયોગ્ય પગલું ભરે છે, એવી જ રીતે બેટમેન (૨૦૨૨)માં પણ વિલન છેક સુધી તાર્કિક લાગી શકે છે પણ અંતમાં તેની ખરી નકારત્મક બાજુ પ્રદર્શિત કરવામાં આવે છે. ફિલ્મની આખી પટકથા દર્શકને અંત સુધી જકડી રાખે તેવી છે.

 

આ ફિલ્મ સંપૂર્ણ ઇન્ટેન્સ અને ગંભીર છે. પાત્રોના સંવાદો દમદાર અને પ્રેરણાત્મક છે: “let’s give people a hope”,The fewer you have, the more I am worth. What am I?” આવા ઘણા બધા સુંદર ઉખાણા અને મજબૂત ડાઈલોગથી ફિલ્મ ભરપૂર છે. રોબર્ટ પેટીન્સને બેટમેનનું પાત્ર અદ્ભુત રીતે નિભાવ્યું છે. તેના સ્ક્રીન પર આવવાથી જ અલગ ઉર્જા અને શ્રોતામાં તાળીઓ અને ચીસ અનુભવાય છે. આમ, જોઈએ તો બેટમેનને ફિલ્મમાં આદર્શવાદી દેખાડ્યો છે, તે તેની પ્રેયસી કરતાં પ્રજાની સુરક્ષા કરવું વધારે પસંદ કરે છે. આવું કરવાવાળા સાચા લોકો કેટલા? બેટમેન માટે તેના જીવનના મૂલ્યો વધુ મહત્વના હોય છે. ભ્રષ્ટાચાર સામે તેની લાલ આંખ આ બાબત પ્રતીત કરાવે છે. “અયોગ્ય સામે અવાજ ઉઠાવો જોઈએ”, “ખોટું આચરણ ન કરવું જોઈએ.” આવી બધી વાતો બધા કરે છે પણ વાસ્તવમાં આવું આચરવાવાળા કેટલા? ધી બેટમેન તેના પ્રેરણાત્મક ડાઈલોગ સાથે ફરી ગોથમ સિટીને અને ફિલ્મના શ્રોતાઓને યાદ અપાવા આવી ગયો છે સાચા અને યોગ્ય મૂલ્યોને વળગેલા રહેવું અને સારું આચરણ કરવું. બહુ ઓછી ફિલ્મો આ ભાવના સંપૂર્ણ તાર્કિક-સીધી રીતે મૂકી શકે છે. ધી બેટમેન (2022) તેમાંની એક છે.

 

૮.૫ સ્ટાર સાથે હું આ ફિલ્મ ‘highly recommend’ કરું છું!

 

-કીર્તિદેવ

Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ