ગુલાલ (૨૦૦૯) x રાજધર્મ




આરંભ હે, પ્રચંડ!

બોલે મસ્તકો કે ઝુંડ!

આ ગીત સાંભળતા એટલું શૂરાતન ચઢે કે એમ થાય સ્પીકર કાને લગાડી અવાજ ફૂલ કરી સાંભળ્યા કરું.

ધ કશ્મીર ફાઇલ્સ મૂવી પર છેલ્લા ઘણા અઠવાડીયાથી ચર્ચાઓ અને વિવાદ ઉપજ્યા છે. લોકોએ કહ્યું આ ફિલ્મ જોઈ તો હવે અમારી જ્ઞાતિ પર અત્યાચાર થયો એ વાળી ફિલ્મ પણ જોવો. અમારા વાળી ફિલ્મને કેમ ટ્રેન્ડ ન કરાઇ? વગેરે જેવા અઢળક પ્રશ્નો ઊભા થયા છે અને અધધ વિવાદ વધી રહ્યા છે. સમાચારમાં જાણવા મળ્યું ઓડિશા રાજ્યમાં એક સમૂહે ગયા શુક્રવારે રીલીઝ થયેલી ફિલ્મ બંધ કરાવી, ફક્ત ધ કશ્મીર ફાઇલ્સ મૂવી જ દેખાડે તેવો આગ્રહ જાહેર કરી સિનેમા હૉલના મેનેજરને ધાક દેખાડી, અન્ય ફિલ્મ બંધ કરાવી. ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર બહુ બધા આસ્વાદ લખાયા, જે લોકોએ ભણ્યા પછી અને મેસેજ સિવાય કશું નથી લખ્યું એવા લોકોએ પણ પોતાનો અભિપ્રાય મૂક્યો. ઉપર કહ્યું એમ ઘણાએ જય ભીમ, શુદ્ર – ધ રાઈસિંગ, જેંગો અનચેઇન્ડ, સ્કીન્ડ્લર્સ લિસ્ટ, ધી પિયાનો વગેરે જેવી ફિલ્મોના સજેશન આપ્યા. આ સૌમાં એક ફિલ્મ ન આવી, જેની મને ઈચ્છા હતી કે કોઈક એના પર બોલે પણ આટલા દિવસો પછી પણ આ એના વિષે કોઈ કઈ બોલ્યું નહીં એટલે આજે મારે એ ફિલ્મ વિષે વાત કરવી છે.

 

અનુરાગ કશ્યપ દ્વારા ૨૦૦૯માં નિર્મિત ગુલાલ ફિલ્મ પોલિટિકલ ડ્રામા/થ્રીલર/ઓફબીટ પ્રકારની શૈલી ધરાવે છે. ફિલ્મની કહાની મહાવિદ્યાલય અને તેની ચૂંટણી આસપાસ ઘડાય છે. સાથે-સાથે એક સમૂહ દેખાડવામાં આવે છે, જેમની માન્યતા એવી છે કે આ દેશ ફક્ત એક જ પ્રણાલી અને એક જ ઢબે રહેવો અને જીવવો જોઈએ, એવું કરવા બદલ ચાહે જો પોલીસ કે સત્તા સામું થવું પડે તો થઈ જવામાં પાછીપાની નહીં કરવાની. મારવાનું થાય તો મારવાનું અને મરવાનું થાય તો મરી જઈશું પણ એક સાચા દેશભક્ત બનીને જ રહીશું. ફિલ્મમાં આ સમૂહ ચોક્કસ મૂલ્યો પર ચાલે છે, તેમના કેટલાક ધારા-ધોરણો છે. એક રાષ્ટ્રની તેમની સ્પષ્ટ વ્યાખ્યા છે. તેને અનુસરવા કોઈપણ અંજામ ભોગવવા તેઓ તૈયાર છે, એના માટે કોઈ માણસ કે સમૂહને મારી નાખવો હોય તો એમ કરવું પણ ભવિષ્ય માટે બલિદાન આપવું ગણાશે. આવું વાંચીને તમને લાગશે કે ફિલ્મમાં ખુનામારી અને બહુ બધી હિંસા જોવા મળશે પણ સાવ એવું નથી. ફિલ્મમાં થોડી ઘણી જ હિંસા છે.





ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મનુ નામ મારે એટલે લેવું પડ્યું કારણ ગુલાલમાં એક પંડિત દેખાડવામાં આવ્યો છે, ધ કશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેરે જે પંડિતનું પાત્ર ભજવ્યું એમ ગુલાલમાં પણ વાદળી રંગમાં એક પાત્ર જોવા મળે છે, જેને એના જ એક નજીકના માણસ દ્વારા મારી નાખવામાં આવે છે. કશ્મીર ફાઇલ્સ અંગે પણ એવા સંદેહ ઊભા થયા છે.



ગુલાલમાં પરોક્ષ રીતે પંડિતોનું રૂપક સ્વરૂપ દર્શકો સમક્ષ રજૂ કર્યું છે. જો તમે સટલ બાબતો સમજી શકતા હોવ, રૂપક અને ધારણાઓ ધારી શકતા હોવ તો ખ્યાલ આવશે કઈ બાબત? કેવી રીતે? હત્યાકાંડ અને રાષ્ટ્રવાદ અને રાજધર્મ સાથે જોડાયેલી છે. આ દેશનું ભવિષ્ય શું હોય શકે છે? ૨૦૦૨ના ગોધરા હત્યાકાંડ પર તે વખતના પ્રધાનમંત્રીશ્રી અટલ બિહારી વાજ્પાયજી તેમના ઇન્ટરવ્યૂમાં એક શબ્દનો ઉપયોગ કર્યો હતો: રાજધર્મ રાજધર્મ નિભાના ચાહીએ. તે કયા રાજધર્મની વાત કરતાં હતા? તે કોઈ એક નેતા કે વ્યક્તિ માટે ન હતું. તેના પર સૌએ મનોમંથન કરવાની જરૂર છે અને જાણવું જોઈએ તમારો રાજધર્મ શું છે.

કે.કે. મેનન આ સમૂહના આગેવાનનું પાત્ર ભજવે છે. તેના ગંભીર હાવભાવ અને ધૂની ક્રાંતિકારીની માનસિકતા તમને એક મિનિટ પણ મૂવી સ્ક્રીનથી આઘાપાછા નહીં થવા દે. એમાં પણ પિયુષ મિશ્રાનું મનોરોગીનું પાત્ર દર્શકોને દંગ કરી મૂકે એવું છે. ફિલ્મના અંતમાં જે દર્શાવામાં આવ્યું છે, એવું હાલ થઈ રહ્યું છે. એટલે આપણે વર્તમાનની નહીં ભવિષ્યની ચિંતા કરવી રહી. અંતમાં શું થાય છે? અને ભવિષ્યમાં શું થઈ શકે એ જાણવા ફિલ્મ જોવી જ રહી.

 


હું આ ફિલ્મને ૭ સ્ટાર આપું છું.

 

-કીર્તિદેવ

Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ