લાલસિંહ ચઢ્ઢા x બોયકોટ લાલસિંહ ચઢ્ઢા
લાલસિંહ ચઢ્ઢા x બોયકોટ લાલસિંહ ચઢ્ઢા
જે લોકોએ ફોરેસ્ટ ગમ્પ ફિલ્મ જોઈ છે, એમને જણાવી દઉં તે ફિલ્મના અડેપશનમાં ઘણો તફાવત છે. ઘણા ફેરફાર થયા છે. ફોરેસ્ટ ગમ્પ કે લાલસિંહ ચઢ્ઢા જોવા જેવી ફિલ્મ છે કે નહીં? જાણીએ આગળ.
આ કહાની મધ્યમ કરતાં ઓછો બૌદ્ધિક આંક ધરાવતા બાળકની છે. લાલસિંહ બચપણમાં પગની બીમારી સાથે જનમ્યો હોય છે. તે તરુણાવસ્થામાં આવે ત્યાં સુધીમાં તેના પગ સાજા થઈ જાય છે. લાલસિંહ ભોળો છોકરો છે. તેની નિર્દોષતા તેની પરિપક્વતા સાથે કાયમ રહે છે. તેની બાળપણની બહેનપણી રૂપા લાલસિંહ સાથે મોટી થાય છે. બંને સાથે-સાથે કોલેજ જાય છે. લાલસિંહ રૂપાને ચાહવા લાગે છે પણ રૂપાના જીવનના મનસૂબા અલગ હોય છે. રૂપાને એક સાધારણ સ્ત્રી બનીને નથી રહેવું. તે પોતાના સપના પૂરા કરવા માંગતી હોય છે. કોલેજ બાદ બેઉના રસ્તા બદલાય છે. લાલસિંહ ફોજમાં ભરતી થાય છે અને રૂપા મુંબઈ આવે છે. લાલસિંહ જીવનમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરે છે. લાલસિંહનો રૂપા માટેનો પ્રેમ ફિલ્મની કહાનીને અંત સુધી લઈ જાય છે.
લાલસિંહની રૂપા માટેની લાગણી અચરજ પમાડે એવી છે. રૂપા દ્વારા તરછોડાયા બાદથી લઈને તેને ગુમાવા સુધીની દરેક પળમાં લાલસિંહ તેને પ્રેમ કરે છે. હંમેશા મૃદુતાથી તેની સામે જોયા કરે છે. લાલસિંહ તેની માતાને, તેના મિત્રને અને દુશ્મનને પ્રત્યે પણ અત્યંત સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ હોવા છતાં, તે ઘણો બહાદુર હોય છે. તેણે કરેલી ફૌજની સેવા માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત કરવામાં આવે છે. શ્રોતાગણમાં ઊભેલી લાલસિંહની માતા તે ઘડીએ હરખના આંસુએ રડી પડે છે. એક બાળક જેને નિશાળમાં પ્રવેશ આપવાની પણ પ્રિન્સિપલ ના પાડી ચૂક્યો હોય છે, તે બાળક કોલેજમાંથી સ્નાતક થાય છે અને દેશનો સૌથી ઉચ્ચ અને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનીત થાય ત્યારે એક માતા ગર્વ જ અનુભવે. લાલસિંહ દોસ્તી નિભાવામાં પણ પાકો હોય છે. તે તેના મિત્રને કરેલો વાદો પૂરો કરે છે.
ફિલ્મમાં ફક્ત આટલું જ નથી. ખાસ આ ફિલ્મ એટલે જોવી જોઈએ કે ભારત દેશનો ઇતિહાસ જો તમે જાણો છો અથવા આ દેશમાં છેલ્લા ૬૦-૭૦ વર્ષમાં જે કોઈ મોટી અને નોંધનીય ઘટનાઓ બની છે, તે દરેક ઘટનાને આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. ભારતનો ૧૯૮૩નો પ્રથમ ક્રિકેટ વર્લ્કકપ, સુવર્ણ મંદિરનો હમલો, ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીનું નિધન, હુલ્લડ, કારગિલ યુદ્ધ, એલ.કે. અડવાણીની રથયાત્રા, ૨૦૦૮નો મુંબઈ હમલો, અન્ના હજારેનું અનશન અને નરેન્દ્ર મોદીનું અબ કી બાર મોદી સરકાર નારો. આવું બધી ઘટનાઓ ફિલ્મમાં દર્શાવી છે.
આ દેશ વિશે જાણવા અને અહીં શું વીતી ગયું છે, એનો આછો અંદાજો આ ફિલ્મથી આવે છે.
ફિલ્મમાં પ્રકૃતિ નિરૂપણ સુંદર લાગે છે. ક્યારેક લાગે આવી જગ્યા ભારતમાં હોય શકે? લાલસિંહના ઘર આસપાસ બદલાતી ઋતુઓ, દિવસ, સાંજ, રાત અને એકલતા મનોરમ્ય લાગે છે. આ ફિલ્મમાં ઉત્તરથી દક્ષિણ ભારત આવરી લેવામાં આવ્યું છે. લદાખથી વિશાખાપટ્ટનમ સુધીની સફર લાલસિંહ ખેડે છે.
ફિલ્મમાં ઘણા સારા સંદેશ મળે છે. ધાર્મિક એકતા અને બંધુત્વની ભાવના જાગૃત કરે છે. માણસને સાચા માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપે છે. આપણી આસપાસ જે લોકો છે તે સૌ પ્રત્યે પ્રેમભાવ બનાવી રાખવા અપીલ કરે છે અને એ પ્રેમભાવ કેવી રીતે બન્યો રહે? જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરીને. એક હાસ્યકલાકરે કહ્યું હતું "તમારો સંબંધ ત્યારે અટકી જશે અથવા વિફળવા લાગશે જ્યારે તમે પ્રેમ કરવાનું અને ફરવાનું છોડી દેશો. સંબંધને આગળ વધારવા, બોન્ડ બનાવ કાં તો પ્રેમ(સેકસ) કરો અથવા પ્રવાસ ખેડો."
અન્ય સંબંધ પણ સુદ્રઢતાથી જાળવી રાખવો હોય તો જીવનમાં કર્તવ્યોને પૂરા કરવા અથવા કારકિર્દી મેળવવી જરૂરી બની જાય છે.
આમિર ખાનનો અભિનય તેમની પાછળની ફિલ્મોમાં કરેલા અભિનય જેવો એક સરખો લાગે છે. વાત સાચી છે પરંતુ તે અભિનય તેમની શૈલી બની ચૂકી છે. જેમ શાહરૂખ ખાનની ફિલ્મોમાં તેઓ હાથ ફેલાવી રોમાન્સ કરતા જોવા મળે છે, સલમાન ખાન ફિલ્મોમાં મારધાડ કરે છે, રોહિત શેટ્ટી તેમની ફિલ્મોમાં ગાડી ઉડાડતા અને રમખાણ કરે છે એમ આમિર ખાન પણ મંદ હોવાનો અભિનય કરે છે. આવા અભિનય જે-તે અભિનેતાની શૈલી બની ગઈ છે. સૌને ખબર છે એ અભિનેતાની ફિલ્મોમાં આ બાબત બનશે છતાં તેમના ચાહકો જોવા જાય છે. તો આમીરની બાબતમાં પણ એવું હોય શકે છે.
ફિલ્મમાં પાત્રોના સંવાદ સરસ રીતે વર્ણવાયા છે. અભિનય સાથે સાથે ડાઈલોગમાં પણ દમ છે.
આ ફિલ્મમાં એક સારી બાબત એ પણ બની છે ફિલ્મનું સંગીત નવીન છે. કોઈ જુના ગીતોનું રીમિક્સ બનાવ્યું નથી. છતાં, સારા ગીતો ગવાયા છે. પહેલીવાર સાંભળીને જ ગમી જાય એવું સંગીત છે.
ફોરેસ્ટ ગમ્પ ૧૯૯૪માં પ્રથમવાર પ્રકાશિત થઈ હતી, એ વખતથી આમિર ખાને વિચાર્યું હશે. ઘણા વર્ષોથી આ ફિલ્મ પર તેમની ટીમ કામ કરી રહી હતી. વિચારો ખાલી આટલા વર્ષો લાગ્યા એક ફિલ્મ બનાવતા અને ખરેખર આ ફિલ્મ પાછળ હાર્ડ વર્ક દેખાય છે. જીવનના બધા જ રંગો આવરી લેવામાં આવ્યા છે. આ દેશ વિશે ઘણું જણાવ્યું છે. ખાસ તો એ કારણથી મને આ ફિલ્મ ગમી. ખરેખરમાં આમિર ખાનને વિશિષ્ટ અભિનેતા કહી શકાય. તેમની ફિલ્મનો વિષય હંમેશાથી વિશેષ અને અલગ રહ્યો છે. ઘણા લોકો જોયા વગર ફિલ્મને બોયકોટ કરવા માંગે છે. આમિર ખાને એક ઇન્ટરવ્યૂ માં કહ્યું "પ્લીઝ અમારી ફિલ્મ બોયકોટ ના કરશો. " ફિલ્મ જોયા બાદ સમજાયું કેમ એમણે એવું કહ્યું હશે. આની પહેલા પણ આમિર ખાનની ફિલ્મો રિલીઝ ના કરવા બદલ કેટલાક લોકો પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા, ફિલ્મના પોસ્ટર બાળી નાખી સીનેમાગૃહોમાં તોડફોડ કરી હતી. આ ફિલ્મનો વિષય કે કોઈ સીન અથવા ફિલ્મનું કશું પણ અરુચિકર કે સમસ્યારૂપ લાગતું નથી. છતાં, કેટલાક લોકો જુના પૂર્વગ્રહ અને અભિનેતા પ્રત્યેની અંગત નફરતને લઈ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. મેં જ્યારે ફિલ્મ જોઈ તો મને એમાં સમસ્ત પ્રોડક્શન ટીમ અને દરેક અભિનેતા ટીમની મહેનત દેખાઈ. આટલા વર્ષો એક ફિલ્મ બનાવવા પાછળ રોક્યા તે પાછળનો પરિશ્રમ દેખાયો. આ કોઈ સાધારણ ફિલ્મ નથી કે તેનો વિરોધ થવો જોઈએ. આ ફિલ્મ સમગ્ર દુનિયા સમક્ષ ભારતમાં બનેલી ઘટનાઓની ઝાંખી દર્શાવે છે. સમગ્ર વિશ્વમાં ફિલ્મ ચર્ચાઈ રહી છે અને વિદેશમાં લોકો વખાણી રહ્યા છે. કારણ ફિલ્મ સારી છે. તો આપણે ભારતીય તરીકે ખુશ થવું જોઈએ કે કોઈ ભારતીય નાગરિકે આ દેશના ઘણાં પાસાઓને આવરી લેતી એક ફિલ્મ બનાવી.
આની પહેલા લોકોએ ગદર, પદમાવત જેવી ફિલ્મોનો વિરોધ કર્યો હતો. જેમાં વાંધાજનક કશું હતું નહિ પરંતુ એક ગેરસમજ, મતપ્રચાર (propaganda)નો શિકાર બની અસામાજિક વર્તન કરી બેસે છે. પછી જ્યારે ફિલ્મ જોવે ત્યારે ખ્યાલ આવે "અરે આમાં અમે વિચારતા હતા એવું વાંધાજનક તો કશું હતું જ નહીં." જે ફિલ્મનો વિરોધ થાય છે. એને જોયા પછી વાંધો લાગતો નથી. આવું દર વખતે થતું આવ્યું છે. કોઈ માણસ ફિલ્મ જોયા વગર જ એને ન જોવાનું સૂચવી શકે છે? બધાની જેમ ફિલ્મ જોઈને કોઈ કહે કે આ ફિલ્મમાં કે આ સીનમાં મારી લાગણી દુભાઈ છે. અથવા મને નથી ગમ્યું માટે હું એનો વિરોધ કરું છું. તો વાત બરાબર લાગે અને એ વસ્તુથી જો બીજાને પણ આપત્તિ હોય તો તે લોકો પણ એના સમર્થનમાં આવે. જે લોકો બોયકોટ કહી રહ્યા છે એમની પાસે સચોટ તર્ક નથી. અને એ જ લોકો પાછા રોદણાં રોવે છે ભારતમાં સારી ફિલ્મો નથી બનતી. જે સારી ફિલ્મો બને છે એનો વિરોધ કરવાની જગ્યાએ આવકારિશું તો શું તેને જ ખરી સમરસતા-એકતા નહીં કહેવાય? જનતા જે આવકારશે એવી ફિલ્મો વધુ બનશે. તો સારી ફિલ્મો સ્વીકારવી જોઈએ કે નહીં?
હું આ ફિલ્મને ૭.૫ સ્ટાર આપું છું.
- કીર્તિદેવ
_1660628651531.jpeg)


Comments
Post a Comment