યંગ શેલ્ડન x બેસ્ટ અમેરિકન સિટકોમ
યંગ શેલ્ડન x બેસ્ટ અમેરિકન સિટકોમ
અમેરિકન કોમેડી સીટકોમમાં હું હંમેશા અસમંજશમાં રહ્યો હતો.
મારે કઈ સીટકોમ વિષે રિવ્યુ લખવો જોઈએ? આજે મારી આ અવિરત તપાસનો અંત આવ્યો છે. મેં
જોયેલી અત્યાર સુધીની કોમેડી શ્રેણીની સીટકોમમાં બધી જ રીતે બેસ્ટ કહી શકાય એવી
કોઈ હોય તો તે છે: યંગ શેલ્ડન. મને રિવ્યુ લખવું કે સજેસ્ટ કરવું ત્યારે જ ગમે
જ્યારે મેં તેમાંથી કઈક મેળવ્યું હોય, કઈક અવનવું જોયું હોય.
મોટાભાગની અમેરિકન સીટકોમ અવનવી હોય છે, તેમાંથી કઈક વિશેષ
મેળવી શકાય છે પણ રિવ્યુ લખવા સુધીની ફરજ પડે ત્યાં સુધી એકપણ સીટકોમ આવી શકી ન
હતી. હું મારા વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નિકાળી રિવ્યુ લખું અને મારાથી પણ વધારે
વ્યસ્ત લોકો તેમનો કીમતી સમય કાઢી વાંચતાં હોય, તો ચોક્કસ
મારે એવી ફિલ્મ-સીટકોમ પકડવી પડે જેની ગુણવત્તા ખરા સોના જેવી શુદ્ધ હોય. યંગ
શેલ્ડન વિષે લખતા પહેલા એ જણાવી દઉં મેં કેમ ઘણી ફેમસ અને લોકપ્રિય સીટકોમ પર
રિવ્યુ લખવાને બદલે આ સીટકોમ પર લખવું વાજીદ ગણ્યું. કોમેડી શૈલીમાં ઘણી સીટકોમ છે, અત્યંત રમૂજી અને સારી છે પણ તેમાં કેટલીક ડિસ્ટર્બિંગ અને સૌને ના ગમે એવી
બાબતોના કારણે રિવ્યુ લખવાનું ટાળ્યું છે. એવી સીટકોમ વિષે થોડું જણાવી મૂળ વિષય પર
આવું છું. નીચે દર્શાવેલ સીટકોમ અમેરિકાના બેસ્ટ કોમેડી શો છે.
ફ્રેંડ્સ: આ શોએ ઇતિહાસ સર્જ્યો છે. આ સીટકોમ ક્રાંતિકારી હતી, અહીંથી
અમેરિકાની કોમેડી શ્રેણીમાં વળાંક આવ્યો હતો. અઢળક એવોર્ડ અને નામના કેળવનાર આ શો
ખરેખર અદ્ભુત છે, ઘણા દેશોમાં ફ્રેંડ્સ શો લોકો મનોરંજન માટે
જ નહીં પણ અંગ્રેજી શીખવા માટે પણ જોવે છે. અમેરિકા સિવાયના દેશોમાં પણ આ શો
પ્રચંડ ફેન ગણ ધરાવે છે. ફ્રેંડ્સનું હ્યુમર અને કટાક્ષ સટીક અને મોજીલું છે. આ
શોમાં કેટલીક બાબતો એવી છે જે રિવ્યુ લખવા માટેનું મહત્વ ગુમાવી દે છે. ફિબી નામની
કન્યા તેના ઓરમાન ભાઈના સંતાન પ્રાપ્તિ માટે પોતે સેરોગસી દ્વારા ગર્ભવતી બને છે.
આ સેરોગસી શું છે એના વિષે ખાસ હું નથી જાણતો પણ શોમાં દર્શાવે છે ગર્ભ ધારણ કરવા
માટે વીર્ય તેના ભાઇનું લેવામાં આવે છે, આ વિચાર મને થોડો વિકૃત
લાગ્યો. રોસ નામનો નાયક એક એપિસોડમાં તેની પિતરાઇ બહેનને કિસ કરવાનો પ્રયત્ન કરે
છે, ચેંડલર નામનો નાયક કહે છે ક્યારેક તે તેની પ્રેયસી સાથે
સેક્સ માણતો હોય તો તેને તેની સગી માતા ઈમેજિન થવા લાગે છે,
આ બાબત પર હાસ્ય ઉમેરવા ચેંડલરનો પાકો ભાઈબંધ જોય કહે છે સેક્સ દરમિયાન હું પણ તારી
માતા વિષે વિચારું છું, રેચલનું ટોક્ષિક નેચર પણ આ શોનો
રિવ્યુ લખવા ડિમોટીવેટ કરે છે. રોસના લગ્ન તોડાવા, પોતાની
દીકરીને રોતા ન અટકાવી શકતા જંગલી પ્રાણી જેમ હવામાં ઉલાળવી,
છેવટે બાળકી ઉલ્ટી કરી જાય ત્યાં સુધી ફંગોળવી. તો આવી બાબતોના કારણે ફ્રેંડ્સ
વિષે રિવ્યુ લખવાનું મન નથી થતું પણ આ ફેક્ટ પણ સ્વીકારવો રહ્યો ફ્રેંડ્સ અમેરિકન
સીટકોમનો એક ક્લાસિક શો છે.
બિગ બેંગ થીયરી: યંગ શેલ્ડન જે સીટકોમ પરથી
પ્રોત્સાહિત થઈ બની છે, તે શો ઘણો વૈજ્ઞાનિક હ્યુમર તરફ વળે છે, જેના કારણે વિજ્ઞાનમાં રસ ન ધરાવતા અથવા વિજ્ઞાન ન જાણનાર દર્શકો આ
સીટકોમમાંથી મનોરંજન મેળવી શકતા નથી.
બ્રુક્લીન નાઈન નાઇન: અનપ્રિડિકટેબલ બટ
ક્યાંક ક્યાંક ઓવરએક્ટિંગ દેખાય આવે અને ટોપ નોચ હ્યુમરનો અભાવ.
સુપરસ્ટોર: સરસ ઉપાડ,
રમૂજી દ્રશ્યો પણ નબળી સ્ટોરી અને બિનજરૂરી વાર્તાલાપ દેખાય આવે. હસવું ના આવે તો
પણ ધરાર હસાવાનો પ્રયત્ન થઈ રહ્યા હોય એવું લાગી આવે.
ધ ઓફિસ: એકદમ યુનિક અને અલગ લેવલનું હ્યુમર ધરાવતો શો પણ ક્યારેક માઈકલ
સ્કોટનું અપરિપકવ અને એનોઈંગ વર્તન કાનમાં વાગે, જોવું ના ગમે અને અંત
પણ સાવ ઠીક.
હાવ આઇ મેટ યોર મધર: ફ્રેંડ્સ શોથી
પ્રભાવિત આ સીટકોમમાં પણ ત્રણ નાયક અને નાયિકા છે. સિરીઝની ત્રણ સિઝન મનોરંજક લાગી
શકે પણ છેવટે વગર વ્યાજબી કારણે શો લંબાઇ રહ્યો હોય એમ અનુભવી શકાય. બારની સ્ટિંશન નામનો નાયક શરૂઆતમાં કુલ અને સ્ટડ લાગે પણ
બાદમાં ખેંચાતા શોમાં તેનું પાત્ર પણ ઓવર લાગવા લાગે.
ઉપર દર્શાવેલ સીટકોમની ટીકા સાંભળી તેને સામાન્ય ન ગણી
લેતા. આ બધા જ શો હાઇ રેટેડ અને લોકપ્રિય છે પણ આ સીટકોમ્સ દરેક પાસાઓમાં શ્રેષ્ઠ
ઉતરે એમાં નથી આવતા. યંગ શેલ્ડન સિવાય.
યંગ શેલ્ડન ૯ વર્ષના અત્યંત તેજસ્વી બાળકની વૃદ્ધિની કહાની
છે. શો ફક્ત શેલ્ડન પર જ કેન્દ્રિત નથી. એક બાળકના માનસને અને વર્તનને આસપાસની દરેક
વસ્તુ-બાબતો પ્રભાવિત કરે છે. શોમાં આ બાબતનું બરાબર ધ્યાન રાખવામાં આવ્યું છે.
શેલ્ડનનો પરિવાર, આડોશ-પાડોશ, મિત્રો
અને સહવિદ્યાર્થીઓનું જીવન પણ દર્શકો સમક્ષ રજૂ કર્યું છે. શેલ્ડન જ્યારે વડીલોને
સામે જવાબ આપે ત્યારે થાય કે આ બેટો ભારતમાં હોત તો એક કાન નીચે પડી હોત પણ એને
માર મારવામાં નથી આવતો એથી જ તે હોંશિયાર બન્યો. શેલ્ડન ખોટાની સામે બોલતા/પ્રશ્ન
કરતાં અને પોતાનો પક્ષ રજૂ કરતાં ગભરાતો નથી.
આ સીટકોમ ઘણી મનોવૈજ્ઞાનિક બાબતોને આવરી લે છે,
દર્શકો સાથે વ્યક્તિગત અને ભાવનાત્મક કનેક્શન સાંકળી લે છે. શેલ્ડનના પાડોશમાં
રહેતો સરખી ઉંમરનો બિલી ભણવામાં હોંશિયાર નથી હોતો. તે સામાન્ય બુદ્ધિ આંક ધરાવતો
હોય છે. બિલીના પિતા તેને અને તેની માતાને છોડી ચાલ્યો જાય છે. બિલીને આ ઘટના હતાશ
કરી મૂકે છે. છતાં, બિલી કશું અભિવ્યક્ત નથી કરતો, પણ ૧૦ વર્ષના બીલીના અભિનયમાં જોઈ શકો કે આ પાત્રએ અંદર ઘણું ગોંધી
રાખ્યું છે. વચગાળામાં શેલ્ડનના પિતા જ્યોર્જ મિત્રો સાથે ઘરમાં પાર્ટી કરતો હોય
છે, દરમિયાન બિલીની માતા બિલીને પાર્ટીમાં તેમની જોડે રાખવા કહે
છે. જ્યોર્જ બિલીને ઘરે લઈ આવે છે. જ્યોર્જ મિત્રો સાથે પોકર રમતા હતા. જ્યોર્જ
અને તેના મિત્રો બિલીને આશ્વાસન આપે છે:
“તારા પપ્પા પાછા આવી જશે, ચિંતા ના કર,”
“જે જાય એ પાછા આવી જાય છે.”
આ વાત ચાલી રહી હતી ત્યારે શેલ્ડન આવે છે અને જ્યોર્જને કહે
છે: “મારા પ્રોફેસર જોન ચાલ્યા ગયા છે. હવે હું શું કરું?”
શેલ્ડનના પિતા જ્યોર્જ કહે છે: “ચિંતા ના કર, એ
પાછા આવી જશે.”
શેલ્ડન: “ના, ના, ના. એ નહીં આવે
પાછા. જે જાય એ કદી પાછા આવતા નથી. એ ક્યારેય પાછા નહીં આવે!” કહી શેલ્ડન બેબાકળો
બની ચાલ્યો જાય છે.
બસ આ સીન અને પછી કેમેરા બિલી તરફ ઝુમ ઇન થાય. સ્થિરભાવે
શેલ્ડનને જોઈ રહેલો બિલી અને સેડ બેકગ્રાઉંડ મ્યુઝિક. શેલ્ડનને તો ખ્યાલ પણ ન હતો
બિલી પર શું વીતી રહી હશે. એવી રીતે કેટલી બધી ભાવનાઓ આ સીટકોમમાં વ્યક્ત થાય છે.
જોન સ્ટર્જિસ નામનો વિજ્ઞાનનો પ્રોફેસર તેનું આખું જીવન
વિજ્ઞાનને સમર્પિત કરી દે છે અને જેવુ-તેવું સમર્પણ નહીં, મહેનત-લગનથી
વિજ્ઞાનમાં પ્રદાન કર્યું હતું. જોનને બાળપણથી જ વિજ્ઞાન પ્રત્યે લગાવ અને
જિજ્ઞાસા હતી. તેઓ વિજ્ઞાનમાં ભણી અલગ-અલગ દેશોમાં દાયકાઓ સુધી વિજ્ઞાન માટે કામ
કર્યું. ૭૨ વર્ષની ઉંમરે તે માણસ ફિઝીક્સના પ્રોફેર્સર તરીકે કામ કરતો રહ્યો. આખી
જિંદગી ફિઝીક્સને સમર્પિત કરી દીધી. વૃદ્ધ થયા બાદ પણ વિજ્ઞાનમાંથી નિવૃત્ત ન થયા.
સતત શીખતા રહ્યા અને શીખવતા રહ્યા. જીવનની આથમતી સાંજે તેમના કામની કઈ કદર ના થાય
ત્યારે કેવું લાગે? માણસને પોતાનું અસ્તિત્વ નિરર્થક લાગે.
અમેરિકામાં સૌથી સર્વોચ્ચ એવોર્ડ એટલે નોબલ પ્રાઇઝ. જે લાઈફ ટાઈમ achievement
અથવા કોઈ ક્ષેત્રમાં વિશેષ/ઉમદા કાર્ય કર્યું હોય તેના માટે આપવામાં
આવતો ઍવોર્ડ છે. જ્યારે જોન સ્ટરર્જિસે રેડિયો પર સાંભળ્યું અન્ય વ્યક્તિને નોબલ
પ્રાઇઝ મળ્યું, ત્યારે તે ભાંગી પડે છે. હતાશ થઈ જાય છે, તે અગાશી પર જઈ, કેબિન પર ચઢી અવકાશના તારાઓમાં
શક્યતાઓ શોધે છે. ખુલ્લું આકાશ, આકાશમાં તારા અને ૭૨ વર્ષની
નિરર્થકતા. જોન કોઈ સંવાદમાં નથી બોલતો કે તેને નોબલ પ્રાઇઝ જોઈએ છે પણ આ ક્ષણે
જોન માનસિક સ્થિરતા ગુમાવી બેસે છે. આવા કેટલા પ્રૌઢ લોકો આપણી આસપાસ હોય છે, જેમનું વર્તન અજુગતું લાગે પણ ક્યારેય કોઈએ વિચાર્યું તે વ્યક્તિ કેમ
આવું કરે છે? તે માણસની આ અસ્થિરતા પાછળ શું કારણ હોય શકે? કારણ હોય શકે: ખાલીપો, મુંઝારો, હતાશા, એકલતા. જોનનું વર્તન અને વલણ દર્શકને કશુક
ચિંતન કરવા પ્રેરે છે. આવી હેવી ગંભીર બાબતો કોમેડી શોમાં રજૂ કર્યા બાદ પણ થીમને
વળગી રહેવા એમાં કોમેડી તરી આવે છે. માહોલ હળવો દેખાઈ આવે છે. આવી ઘણી વર્તનાત્મક
અને મનોવૈજ્ઞાનિક બાબતો યંગ શેલ્ડન શોમાં જોવા મળે છે.
અમેરિકામાં ટીનએજ પ્રેગ્નંસી મોટો ઇસ્યુ છે. યંગ શેલ્ડનમાં
આ મુદ્દા પર પણ સારો સંદેશ પૂરો પાડે છે. સાપેક્ષ રીતે કોઈ નથી કહેતું અબોર્શન
કરાવું જોઈએ કે નહીં? પણ પાત્રો તેમની પરિસ્થિતી અને અનુકૂળતા
પ્રમાણે વર્તે છે. જે દર્શકો પર હકારાત્મક છાપ છોડે છે.
ભારતમાં તમે ધર્મ વિષે ગમે તેમ ના બોલી શકો. આજકાલ માહોલ
એવો છે કે તમારું ઘર ભાંગી નાખે અને લાગ મળે તો તમને પણ ભાંગી નાખે. બીજી તરફ યંગ
શેલ્ડનમાં નવ વર્ષનો શેલ્ડન પોતે નાસ્તિક છે અને તેની માતા પાકી ક્રિશ્ચિયન છે.
શોની આ જ તો નિખાલસતા છે. પાત્રો ક્યારેક એકમેકની સામે ઊતરે અને માણસાઈની રીતે
વિરોધ કરે.
આ શો રમૂજી અને કલાત્મક છે, ૮૦ના દાયકાની થીમ બરાબર
પકડી રાખી છે. ઇલોન મસ્ક અને બિગ બેંગ થીયરીના અભિનેતાઓના ગજબના કેમીઓ શોમાં
દર્શાવ્યા છે. હાલ(૨૦૨૩) યંગ શેલ્ડનની છઠ્ઠી સિઝન ચાલી રહી છે, વધીને આગળના ત્રણ વર્ષ સુધી સિરિયલ લંબાઇ શકે, તો
જો આ શો હજુ સુધી ન જોયો હોય તો જરૂર જોવો જોઈએ અને અમેરિકાના અત્યાર સુધીના બેસ્ટ
કોમેડી શોની છેલ્લી સિઝન પ્રથમ વારમાં જોવાનો લાહવો મળે એના માટે યંગ શેલ્ડન સાથે જોડાઈ
જાવ. તમારા મુજબ કઈ કોમેડી સીટકોમ બેસ્ટ છે? યંગ શેલદાન વિષે તમારો મત જરૂર જણાવજો.
હું આ સીટકોમને ૯ સ્ટાર આપું છું.
-કીર્તિદેવ
.jpg)
Comments
Post a Comment