સિસ્ટમ vs સિનેમા
સિસ્ટમ vs સિનેમા
લોકશાહીની ન્યાયવ્યવસ્થા પર જેટલી ફિલ્મો ભારતમાં બની છે એટલી ક્યાંય નહીં બની
હોય. દેશની ન્યાયવ્યવસ્થા સામે ન્યાય મેળવવો આજે એક પડકાર બની ગયો છે. દિલ્લી
ક્રાઇમ્સ, આર્ટીકલ 15, સેક્સન 375, જય ભીમ, દૃશ્યમ, ગબ્બર ઈઝ બેક, ભક્ષક વગેરે. આ બધી ફિલ્મો/વેબ
સીરિઝ છેલ્લા એક દાયકામાં બની છે. આ ફિલ્મો/વેબ સીરિઝમાં જોઈ શકાય છે ન્યાય મેળવવા
કેટલી જહેમત વેઠવી પડે છે. આના સિવાય અને આની પહેલા શાંઘાઇ, જોલી એલ.એલ.બી., સરકાર, સરકાર રાજ, ઠાકરે સિવાય ઘણી ફિલ્મો આવી. ખાસ તો
દક્ષિણ ભારતમાં અજબ અને અલગ રાજકીય મુદ્દા વિષે ફિલ્મો બનતી આવી છે. તેની સામે
પ્રોપગેંડા ફિલ્મો/વેબ સીરિઝ પણ છેલ્લા એક દાયકામાં ઘણી આવી. ધ કશ્મીર ફાઇલ્સ, મોદી અ જર્ની ઓફ અ કોમન મેન, એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર, પી.એમ. નરેન્દ્ર મોદી, અને ધ કેરલા સ્ટોરી આવી. ટૂંક સમયમાં
2002ના રમખાણો અને વિનાયક સાવરકર પર ફિલ્મ આવવાની છે.
સત્ય ઘટના આધારિત ફિલ્મી રૂપાંતર સામે સાચી ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ ઇન્ટરનેટ
પર મળી આવે છે. જે સત્ય ખોળતા હોય તેઓ ડોક્યુમેન્ટરીમાંથી પોતાની હકીકત દ્રઢ કરી
શકે છે. બે વર્ષ પહેલા પરાવર્તન નામનો એક લેખ મેં લખ્યો હતો જે ફિલ્મોથી ફેલાતા
દૂષણ પ્રત્યે હતો. “ફિલ્મોમાં દર્શાવાતા
સામાજિક દૂષણોથી લોકોને કઈ અસર ના થાય.” એવી દલીલ કેટલાક વાચકોએ કરી હતી. જો અસર જ
નથી થતી તો આટલી બધી ફિલ્મો અને વેબ સીરિઝ રાજકારણ-સિસ્ટમ પર કેમ બને છે? અસર થાય જ છે. હકારાત્મક અને
નકારાત્મક બંને. હકારાત્મક ફિલ્મો લોક જાગૃતિ માટે બને છે અને cons ફિલ્મો પ્રોપગેંડા ચલાવા માટે.
ભારત દેશનો એવરેજ બુદ્ધિ આંક 75 છે. જે સામાન્ય કરતાં ઘણો નીચો છે. 75 બુદ્ધિ
આંક ધરાવતો માણસ નિત્યક્રિયા અને કહેવામાં આવે એવા સામાન્ય કામ જ કરી શકતા હોય છે.
આ બુદ્ધિ આંક ધરાવતા લોકો ધોરણ 12 સુધીનું સામાન્ય ભણતર પણ પૂરું કરી શકતા નથી. આ બુદ્ધિ આંક ધરાવતા લોકોમાં “બોર્ડરલાઇન
મેન્ટલ ડિસબિલિટી” માનસિક રોગ જોવા મળી શકે છે. આ શ્રેણીના લોકો સામાન્ય કામ જેવા
કે છોડને પાણી આપવું, સામાન
એક જગ્યાથી બીજી જગ્યાએ મૂકવા જેવા સાદા કામ સરળતાથી કરી શકે છે. બોર્ડરલાઇન ઉપર
80-89 બુદ્ધિઆંક બિલો એવરેજ ગણાય છે. એથી ઉપર એવરેજ બુદ્ધિ આંક 90-109 છે (Wikipedia contributors, 2024). વિશ્વના વિકસિત દેશો
યુનાઈટેડ સ્ટેટ્સ, જાપાન, યુનાઈટેડ કિંગડમ અને કેનેડામાં
એવરેજ 90-106 છે. ભારત દેશના પાડોશી દેશો બુદ્ધિ આંકમાં આગળ છે. પછી તે નાના દેશ જેવા
કે ભૂટાન, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા હોય કે મોટા દેશ ચાઈના
કે અફઘાનિસ્તાન હોય. આપણે બુદ્ધિઆંકમાં સૌથી છેલ્લે છીએ. દેશની એવરેજ જનતા 75
બુદ્ધિઆંક ધરાવે છે (Countries by IQ - Average IQ by
Country 2024, n.d.). મધ્યમ અને નિમ્ન વર્ગ લોકોની આસપાસના દરેક પરિબળો માનસ અને વર્તન પર અસર
કરવાના.
દિલ્લી ક્રાઇમ્સ વેબ સિરીઝમાં ઘણા સંવાદો દર્શકને વિચારવા પર વિમર્શ કરી મૂકે
એવા છે. કમિશ્નર વર્તિકા ચતુર્વેદીની દીકરી કેનેડા ભણવા જવા માંગે છે. વર્તિકા પોતાની
દીકરીને પાસે રાખવા માંગે છે. તેમની દીકરી પ્રશ્ન મૂકે છે એવું તો શું છે આ દેશમાં
રહેવા જેવુ? કમિશ્નર કહે છે આ
સવાલનો જવાબ હું રાતે ઘરે આવું ત્યારે આપીશ. કહી તેઓ ડ્યૂટી પર જાય છે. એ રાતે એવી
ભયાનક ઘટના બને છે જેનાથી આખો દેશ દિક્મૂઢ થઈ જાય છે. જેની ઘાત આજે પણ કોઈ નથી
ભૂલયુ. એક સંવાદમાં પોલિસ અફસર પૂછે છે આજકાલ ગુનાઓ કેમ વધી રહ્યા છે? જવાબમાં અન્ય અફસર કહે છે આ શહેર (દિલ્લી
) સામે જુઓ. શું દેખાય છે? અલગ-અલગ
વર્ગના લોકો. કોઈ કાયદાકીય ક્લાસ ડિફાઇન નથી પણ માણસોએ તે ક્લાસ ડિફાઇન કર્યો છે.
ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ. આ વર્ગનો તફાવત વધતો જાય છે. ગરીબ વધારે ગરીબ અને અમીર
વધારે અમીર થતો જાય છે. આ તફાવત વધતાં ઘર્ષણ ઊભું થાય છે. જેનાથી ગુના વધવાના.
દિલ્લી ક્રાઇમ્સ સીરિઝમાં વર્ષ 2011માં થયેલા સામૂહિક બળાત્કારની કાર્યવાહીનું
નાટકીય રૂપાંતર બતાવ્યુ છે. કેવી રીતે દેશની રાજધાનીમાં હ્રદય કંપાવનારી દુર્ઘટના
ઘટે છે. સમગ્ર વિશ્વનું ધ્યાન પડતા સૌને ખળભળાવી મૂકે છે. આ સીરિઝ સાચી વાસ્તવિકતા
રજૂ કરે છે. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશ્નર કેસમાં જંપલાવે છે, જેના કારણે ઝડપથી કાર્યવાહી આગળ
વધે છે. સીરિઝમાં બેદરકાર પોલીસ જુવાનો પણ દર્શાવ્યા છે. જો તે અફસરોએ કેસ હાથમાં
લીધો હોત તો ગુનેગારો કદાચ હાથમાંથી છટકી ગયા હોત.
દિલ્લી ક્રાઇમ્સ ઘણા સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. બળાત્કારીઓની માનસિકતા
અને તેમના પક્ષે ઉભેલા વકીલની વિચારસરણી ઘણા ખરા અંશે સરખી હતી. આ વિચારસરણી
બોર્ડરલાઇનની આસપાસનો I.Q. ધરાવતા
લોકોમાં જોવા મળે છે. જે એ જ જૂનો મુદ્દો ઉજાગર કરે છે, તે કન્યા એટલી મોડી રાત્રે કેમ તેના
બોયફ્રેંડ સાથે ફરતી હતી? કેમ
સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે? અને
આવી ઘટનાઓ થાય ત્યારે દોષ એમના વસ્ત્ર પર કેમ જાય છે? આ મુદ્દા કઈ આજકાલના નથી. કોણે
શું પહેરવું એને કોનાથી નિસ્બત હોવો જોઈએ, કેવી રીતે યોગ્ય વર્તવું જોઈએ? તે ઘણા નથી જાણતા. દેશનો એવરેજ બુદ્ધિઆંક જેટલો છે તેથી તેમની માનસિકતા
સુધારવા, સામાન્ય સમજ આપવા
વારંવાર, દર વખતે, વારે તહેવારે સમજાવા પડશે કારણ મોટાભાગના
લોકોના મગજની ક્ષમતા બે ચાર વખત કહેવાથી સમજાઈ જાય એવી નથી.
India’s
Daughter નામની
ડોક્યુમેન્ટરીમાં સાચા ગુનેગાર અને વાસ્તવિક ઘટનાનું આલેખન કર્યું છે. બળાત્કારના
ગુનેગારોએ જે બર્બરતાથી શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું તેમને પૂછવામાં આવ્યું
આવો વિચાર ક્યાંથી આવ્યો\
જવાબમાં કહ્યું તેઓએ પોર્ન વિડીયોમાં એવું જોયું હતું. આ બાબત જાહેર થતાં ચકચાર
મચી ગયો હતો અને તે સમયે ડિબેટ ચાલુ થઈ કે પોર્ન સાઇટ્સ ચાલુ રહેવી જોઈએ કે બંધ
કરી દેવી જોઈએ. બંને પક્ષે વ્યાજબી તર્ક હતા. ચાર વર્ષ બાદ સરકારે અંતિમ નિર્ણય
તરીકે ઘણી બધી પોર્ન વેબસાઇટ બંધ કરી દીધી. જેની પાછળ અન્ય કારણ પણ હતા. તમને શું
લાગે છે આ નિર્ણય યોગ્ય લેવાયો કહેવાય?
સેક્સન 375 ફિલ્મમાં દર્શાવ્યું છે એક કન્યા તેના બોસ પર બળાત્કારનો આરોપ
લગાવે છે કે તેનાથી ઉંમરમાં મોટા બોસએ તેની સાથે મારઝૂડ કરી ગુપ્તાંગમાં તેણીને
ઇજા પહોંચાડી. તે કન્યાનો પરિવાર ફરિયાદ નોંધાવે છે. કોર્ટમાં કેસ થાય છે. ભોગ
બનનાર મહિલાની સ્ત્રી વકીલ તેને બાહેંધરી આપે છે ગમે તે કરી તે ગુનેગારને જેલ ભેગો
કરી દેશે. તેણીની વકીલને ડી.એન.એ. રીપોર્ટમાં સબૂત મળી આવે છે. તે કન્યા બોસ સાથે શારીરિક પ્રવુર્ત્તિમાં
જોડાયેલી હતી તેવું સાબિત થાય છે. આરોપી પુરુષનો વકીલ તપાસ માંડે છે. દરેક ઘટનાનું
બારીકાઈથી નિરીક્ષણ કરી કોર્ટમાં પુરાવા રજૂ કરે છે. અંતમાં હકીકત સામે આવે છે. તે
કન્યાનું તેના બોસ સાથે અફેર હતું. એકવાર તે બોસના ઘરે જાય છે, બંને સંમતિથી સંબંધ બાંધે છે. બાદ
તેણી પ્રમોશનની રજૂઆત મૂકે છે. તેનો બોસ તેને થોડી પ્રતિક્ષા કરવા કહે છે. તેણી હઠ
પકડી રાખી બોસ પર દબાણ બનાવે છે. બંને વચ્ચે બોલાચાલી થાય છે. ગુસ્સામાં તે જતી
રહે છે અને પોતાના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડે છે. ઘરે જઈ પરિવારને મનઘડત કહાની
સુનાવી વિકટીમ કાર્ડ રમે છે. ગુસ્સાથી ઉશ્કેરાયેલો તેનો સગો ભાઈ તેણીને હિંસક માર
મારે છે. બાદમાં તે સ્ત્રી તેના બોસ સામે બળાત્કાર અને મારપીટની ફરિયાદ નોંધાવે
છે. આરોપી પુરુષનો વકીલ આ સમગ્ર ઘટના કોર્ટમાં રજૂ કરે છે. છતાં, કોર્ટનો ફેસલો સ્ત્રીના પક્ષે જાય
છે કારણ બળાત્કાર થયો નથી તે બાબતના પુરાવા નથી મળતા અને મળે પણ કેવી રીતે? કોઈ બે માણસ અંગત પળોમાં સહમતીથી
રહ્યા હતા કે નહીં તેનો પુરાવો કેવી રીતે મેળવી શકાય?
સિસ્ટમની આ જડતાએ ઘણા પુરુષોની જિંદગી બરબાદ કરી નાખી છે. ઘણા કિસ્સાઓમાં 15,17 વર્ષ
બાદ ચુકાદો ક્યારેક પુરુષને નિર્દોષ ઠેરવે છે. તે 15,17 વર્ષનું શું? જેમાં તે વ્યક્તિએ નથી કર્યું એવા ગુનાના આરોપી તરીકે જેલમાં જીવવું પડ્યું. 2000ના
દાયકામાં હિન્દી સિનેમાના ઊભરતા અભિનેતા સાઈની આહુજા પર તેની કામવાળીએ બળાત્કાર કર્યાની
ફરિયાદ કરી હતી. તે સમયે અભિનેતા સાઈની આહુજા હિટ પર હિટ ફિલ્મો આપી રહ્યા હતા. 2009ની
સાલમાં તેની કામવાળીએ રેપની ફરિયાદ કરી દેતા અભિનેતાને કામ મળતું બંધ થઈ ગયું.
સમગ્ર હિન્દી સિનેમાએ તેનો બોયકોટ કર્યો. બે વર્ષ બાદ 2011માં તેની કામવાળીએ 180॰ સ્ટેટમેન્ટ બદલી
નાખ્યું કે અભિનેતાએ તેની સાથે રેપ કર્યો
ન હતો. તેમ છતાં, હાઇ કોર્ટએ સાઈની
આહુજાને સાત વર્ષની સજા ફટકારી. એવી શંકા સાથે કે સાઈની આહુજાએ તેની કામવાળીને
કદાચ ડરાવી ધમકાવી ફરિયાદ પાછી લેવા દબાણ કર્યું હોય (Koimoi, 2022). જો તેને દબાણ કરવું
જ હોત તો બળાત્કારની ફરિયાદ કરી ત્યારે જ ધમકાવી શક્યો હોત ને. બે વર્ષ પ્રતિક્ષા કેમ
કરે? સાઈની આહુજાનું કરિયર
તો ખતમ થઈ ગયું ને? આરોપથી મુક્ત થયે 14
વર્ષ થઈ ગયા. 14 વર્ષ બાદ પણ તેની સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા નથી માંગતુ. ચાલો
માની લઈએ કામવાળીએ દબાણમાં આવી ફરિયાદ પાછી લઈ લીધી હોય તો પણ ન્યાયાલયમાં સોગંદ
ખાઈ ખોટી જુબાની આપવી શું યોગ્ય છે? આવી હરકત કરીને પોતે ખોટી સાબિત થાય છે અને ભવિષ્યમાં વાસ્તવમાં ભોગ બનનાર
સ્ત્રી પર શંકા ઊભી થવાની શક્યાતાઓ વધી જાય છે.
શું સાત વર્ષની સજા વ્યાજબી છે ફક્ત એવી શંકાના આધારે કે કોઈ વ્યક્તિએ ભોગ
બનનારને ડરાવ્યા/ધમકાવ્યા હોય? જો પુરુષ
નિર્દોષ હોય તો તે સાત વર્ષનું શું? જો અભિનેતા સાઈની આહુજાએ ખરેખર તેની કામવાળીને સ્ટેટમેન્ટ બદલવા ધમકાઈ હોય.
છતાં, જો તેને જેલ જવું પડે, તો બહાર આવી તે તેની કામવાળીને
હેરાન કરી શક્યો હોત. શું તેણે એવું કઈ કર્યું? સાઈની આહુજાની સાત વર્ષની સજા પૂરી થયા પછી બીજા સાત વર્ષ પસાર થઈ ગયા. તેણે
તેની કામવાળીને સતાવી હોય એવું બન્યું નથી. આમાં નુકશાન કોનું? બળાત્કારનો ખોટો આરોપ મૂકનાર
મહિલાનું કે કરિયર, નામના અને જીવનના સાત
વર્ષ ગુમાવી સજા ભોગવનાર પુરુષનું? પુરાવા વગર કોર્ટ કદી ન્યાય નથી આપતી પણ નિર્દોષને સજા આપતી વખતે સિસ્ટમ આંખે
આંધળો પાટો બાંધી લે છે.
સેક્રેડ ગેમ્સ સિરીઝમાં એક મહિલા તેના મૃત પુત્રની એફ.આઇ.આર. લખાવા રોજ પોલીસ
સ્ટેશનના ધક્કા ખાતી હોય છે. છતાં, પોલીસ એફ.આઇ.આર. નોંધવાની લાંબા સમય સુધી ના પાડે છે. અંતે જ્યારે તે મહિલાનો
પરિવાર-સ્વજનો સ્ટેશન બહાર ધરણાં પર બેસે છે ત્યારે તંત્ર હરકતમાં આવે છે. અમદાવાદ
શહેરના શાહીબાગમાં જિલ્લા કમિશ્નર કચેરી આવી છે. ચારેક વર્ષ પહેલા ત્યાં જવાનું
થયું હતું. કચેરીમાં એક રાજકીય નેતા સાથે વાત કરતાં જાણમાં આવ્યું મોટાભાગે પોલિસ
ત્યારે જ એફ.આઇ.આર. નોંધે છે જ્યારે મામલો સો નંબરથી આવ્યો હોય અથવા કોર્ટ સુધી કે
સ્ટેશનની બહાર જવાની શક્યતા હોય. એથી વાહન ચોરી, ઘરફોડ ચોરી, પાકીટ મારની ફરિયાદમાં
કાચી અરજી લખવામાં આવે છે, જો
નાગરિક વારંવાર કાર્યવાહી માટે ધક્કા ખાય અથવા કોઈ નામી વ્યક્તિ કે વકીલનો સાથ હોય
ત્યારે એફ.આઇ.આર. નોંધે છે. મેં પૂછ્યું પોલિસને એફ.આઇ.આર. નહીં નોંધવાથી શું મળી
જવાનું? જાણવા મળ્યું દરેક એફ.આઇ.આર.નો
રિપોર્ટ જે-તે જિલ્લાના કમિશ્નર પાસે જતો હોય છે. જો એફ.આઇ.આર.ની સંખ્યા વધે તો
જે-તે પોલિસ સ્ટેશનના અફસરોએ જવાબ આપવો પડે આટલા બધા ગુના કેમ થાય છે અને એની સામે
તમે શું એક્શન લીધા? આ પૂછતાછથી બચવા અને
કામ ના કરવા માટે ઘણી વખત એફ.આઇ.આર. નથી થતી હોતી. જો અમદાવાદ જેવા શહેરમાં આ હાલત
હોય તો નાના શહેરો-ગામડાઓમાં શું હાલત હશે? તેની તો કલ્પના પણ શું થઈ શકે?
ભક્ષક, જય ભીમ અને આર્ટીકલ
15 જેવી ફિલ્મમાં જોવા મળે છે પોલિસ-સિસ્ટમના અંદરના માણસો જ ગુનેગારોને છાવરવામાં
અને તેમના બચાવમાં પડખે ઊભા હોય છે. ઘણી વખત પોલિસ પોતે ગુનામાં શામેલ હોય છે. આ
બાબતો ફિલ્મી દ્રશ્ય નથી. ઘણીવાર ગંભીર ગુનાઓની એફ.આઇ.આર.માં મુખ્ય ધારા અને કલમો અફસર
જાણીજોઇને નથી ઉમેરતા. જેથી કોર્ટમાં કેસ જાય ત્યારે ભોગ બનનારને પૂરતો ન્યાય ના
મળી શકે. જાણીજોઇને કરવામાં આવતી આ હરકતના લીધે ઘણીવાર ગુનેગારો સસ્તામાં છૂટી જાય
છે અને અસમાજિક ઉપદ્રવ વધારે છે.
ભારત વિશ્વનું સૌથી મોટું ફિલ્મ માર્કેટ છે. અહીં દર વર્ષે સૌથી વધારે ફિલ્મો
બને છે અને લોકો જોવે છે. અહીંની
જનતા ફિલ્મ અભિનેતા અને ફિલ્મ ચિત્રથી અભિભૂત થાય છે અને આચરણ/મૂલ્યોમાં લેવાના
પ્રયત્નો કરે છે આ વાત સીધા હાથે કે આડા હાથે કાન પકડી સ્વીકારવી જ રહી. વાત એ પણ
સ્વીકારવી રહી દેશમાં કાનૂન,
ન્યાય અને નીતિનિયમો પાંગળા અને બોલવા ખાતરના શબ્દો થઈ ગયા છે. આ બાબત રાજનેતાઓને
સમજાઈ ગઈ છે. માટે હવે તેઓ સિનેમાનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલા અભિનેતાઓ ફિલ્મો
છોડી રાજનીતિમાં જોડાતા હતા પણ હવે એની જરૂર નહીં પડે. સાંપ્રત સમય જોતાં લાગે છે
સિસ્ટમ-સિનેમા એકબીજામાં સોંસરવા ઉતરી જશે. જે રીતે હાલ ધર્મ અને રાજનીતિ એકમેકમાં
મદમસ્ત છે.
ફિલ્મ દૃશ્યમમાં દર્શાવ્યું છે પોલિસ અફસર નાગરિકના પાસપોર્ટ વેરિફિકેશન માટે રુશ્વત
માંગતા હોય છે. આ બાબત વાસ્તવમાં થતી હતી. થોડા સમય પહેલા સરકારે પાસપોર્ટ બનવાની પ્રોસેસમાં
પોલિસ વેરિફિકેશન હટાવી દીધું. આ નિર્ણય પાછળનું એક કારણ આ હતું. રુશ્વત અને વધતાં
જતાં ગુનાના લીધે પાસપોર્ટ વેરિફિકેશન લાંબા સમય સુધી વિલંબિત થતાં હતા, જેના લીધે નાગરિકોને હેરાનગતિ
ભોગવવી પડતી હતી (Sengar, n.d.).
સિસ્ટમ સામે અવાજ ઉઠાવનારી ફિલ્મો\વેબ સીરિઝ હજુ ઘણી મારે જોવાની બાકી છે. એવી કઈ ફિલ્મ\સીરિઝ તમને લાગે છે જેનો રિવ્યુ
મારે જણાવો જોઈએ. તમે આ મુદ્દા વિષે શું વિચારો છો જરૂર જણાવજો.
સિસ્ટમ સુધાર માંગે છે. અને તે ત્યારે જ શક્ય છે જ્યારે દેશના નાગરિકો પોતાની
આસપાસ બદલાવ લાવે. દેશની જનતા ક્વોન્ટિટીમાં મોખરે છે પણ ક્વોલિટીમાં નહીં. સુરતના
એક સામાજિક કાર્યકર રસ્તા પર રોંગ સાઈડ જતાં લોકોને રોકે છે. રોંગમાં આવતા લોકો
તેમની સાથે ઝઘડો કરે,
ગાળો બોલે અને ઝપાઝપી કરવા લાગે છતાં, તે કાર્યકર્તા સત્યનો પક્ષ નથી છોડતા. સમાજને આવા લોકોની જરૂર છે. પણ સામે
સમાજ આવા લોકોને ફટકારે,
સોશ્યલ મીડિયા પર તેમની આ કૂચની હાંસી ઉડાવે છે. ઉપર જણાવ્યુને બોર્ડરલાઇન IQ. જેને દેશમાં શાંતિ અને સલામતીથી
કાયદામાં રહેવું છે એમને ફક્ત સિસ્ટમ સામે જ નહીં પણ સમાજ સામે પણ લડવું પડે છે.
હાલ મિમમાં લખવામાં આવે છે તે સાચું લાગે છે: India is not for beginners!
-કીર્તિદેવ
રેફરન્સ લિન્ક
Wikipedia
contributors. (2024, January 26). IQ classification. Wikipedia. https://en.wikipedia.org/wiki/IQ_classification
Countries
by IQ - Average IQ by country 2024. (n.d.). https://worldpopulationreview.com/country-rankings/average-iq-by-country
Koimoi. (2022, July
24). Shiney Ahuja Was Once Accused Of R*ping His Maid Who Later Took A U-Turn
From The Career-Threatening Allegatio. Koimoi. https://www.koimoi.com/bollywood-news/shiney-ahuja-was-once-accused-of-rping-his-maid-who-later-took-a-u-turn-from-the-career-threatening-allegations/
Sengar, R.
(n.d.). No physical police verification for passports now. Times of India
Travel. https://timesofindia.indiatimes.com/travel/destinations/no-physical-police-verification-for-passports-now/articleshow/60255729.cms

Comments
Post a Comment