માવજત-૨



MOST CREATIVE MONOLOGUES OF ALL TIME!

 

ઝેવિયર્સમાં બેચલર્સ કરતો હતો ત્યારે કલફેસ્ટમાં મોનોલોગની સ્પર્ધા જોઈ હતી. દરેક પ્રતિસ્પર્ધીનો અભિનય દર્શકને જકડી રાખનાર હતો. ત્યારથી થતું હતું મારે પણ મોનોલોગ કરવો જોઈએ. બે વર્ષ બાદ જાવેદ અખ્તરની કવિતા “કૈસે બતાઉ મેં તુમ્હે” સાંભળી અને આખી રચના મોઢે કરી નાખી. લોકો સમક્ષ રજૂ કરી અને સારો પ્રતીભાવ મળ્યો. એના પછી રશ્મીરથીની કેટલીક પંક્તિઓ અને અન્ય કવિઓની રચનાના મોનોલોગ કરવાની બહુ જ મજા આવી. આ લેખ લખવાનું કારણ મારી મોનોલોગ પ્રત્યેની અમાપ અભિરુચિ છે. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કહેવાતા બે ટીવી શોઝના બે મોનોલોગ વિષે વાત કરવી છે. આ મોનોલોગ વ્યક્તિની એ સંવેદનાઓને સ્પર્શે છે જે રોજબરોજના જીવનમાં કે સામાન્યત: નથી અનુભવાતી. આ એકાંકી સંવાદ દર્શકને નૈતિક દુવિધાના વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ સમજાવાનો પ્રયાશ કરે છે. દર્શકની ભાવના, તેના સંબંધોનું 360 મૂલ્યાંકન કરવા પ્રેરે છે. વાત ગહન છે, લેખ લાંબો છે. તમારી અનુકૂળતા અને માનસિક તૈયારી સાથે વાંચવો.

 

ફ્રી ચૂરોવ્ (Bojack Horseman S5-E6) ભાવનાના સાગરમાં એક ઊંડી ડૂબકી

મારી માતા મૃત્યુ પામી છે અને હવે બધુ જ ખરાબ છે!” બોજેક બોલ્યો. 25 મિનિટના આ એપિસોડમાં બોજેક હોર્સમેન 20 મિનિટ સતત બોલી રહ્યો છે. બીએટ્રિસ અને બોજેકનો સંબંધ મુખ્ય કેન્દ્ર છે. “ફ્રી ચૂરોવ્” સ્નેહની આપ-લે ન કરતાં ઉષ્માવિહીન પરિજનોના ઘરનું ચિત્ર દોરે છે. માતા બીએટ્રિસ અને પિતા બટરસ્કોચનો એકબીજા સાથેનો સંબંધ હુંફભર્યો ન હતો. પતિ-પત્નીના અસ્વસ્થ સંબંધે દીકરા બોજેકને અસુરક્ષિત બનાવી મૂક્યો. સારા પેરેન્ટ્સની આકૃતિના અભાવે બોજેકને અન્ય સાથે આત્મીયતા કેળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ. “ફ્રી ચૂરોવ્” બોજેકનો ભૂતકાળ, સંવેદનો અને અહમને પ્રદર્શિત કરે છે, એપિસોડનો આરંભ બોજેકના અતીતથી થાય છે.આ એપિસોડ ત્રણ પાત્રો સાથે આગળ વધે છે. બોજેક, તેના પિતા બટરસ્કોચ અને માતા બીએટ્રિસ. ફ્લેશબેક અને યાદો દ્વારા બોજેક નિષ્ક્રિય બાળપણ અને તેના માતાપિતા સાથેના તણાવપૂર્ણ સંબંધોની ઝાંખી રજૂ કરે છે. બોજેક માતા બીએટ્રિસની મૃત્યુનૂનમાં સ્તુતિમાં માતાના અંતિમ શબ્દોનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ત્રણ શબ્દનો અર્થ શું હતો? તે ત્રણ શબ્દોનું અર્થઘટન તે શું કરે છે? આગળ જાણીએ.

બોજેકની ઉંમર 12-14 વર્ષની હશે. રવિવારની સાંજે ફૂટબોલ ફિલ્ડ બહાર બાકડા પર બેસી ઘરે જવાની વાટ જોઈ રહ્યો છે. શીત પવન વાય રહ્યો છે. બોજેકને ઠંડી લાગી રહી છે. તેના પિતા બટરસ્કોચ હોર્સમેન આવે છે. તે ગાડીમાં બેસે છે અને તેના પિતા પોતાની લાગણી રજૂ કરે છે, તે શું અનુભવી રહ્યા છે. બટરસ્કોચ જણાવે છે કેવી રીતે બોજેક અને તેની મમ્મીએ(બટરસ્કોચની પત્નીએ) તેનું જીવન ત્રાસજનક કરી મૂક્યું છે. રવિવારનો એક દિવસ હોય છે આરામ માટે પણ એ દિવસે પણ શાંતિ નથી મળતી. તેઓ પુત્ર અને પત્નીને લઈને નિરાશા રજૂ કરે છે. કેવી રીતે તેની પત્ની તેના માટે કશું નથી કરતી, પોતાને મનફાવે એમ રહે છે. આટલા વર્ષોના લગ્નસંબંધની બધી તકલીફો અને તેની પત્નીનો વાંક હર વખતે રહ્યો તે જણાવે છે.

મોનોલોગ ઓફ બટરસ્કોચ હોર્સમેન: “ગઈ કાલે તારી મમ્મી અ ડોલ્સ હાઉસ”નો શો જોવા ગઈ, અને હવે તે નાટક કરે છે. એણે મારા માટે લંચ ના બનાવ્યું, તેણે મારા માટે એક સેન્ડવિચ નતુ બનાવ્યું. અને મેં એમાં કઈ વધારે માંગ્યું? એક પ્રાથમિક વસ્તુ માંગી જે મારે જીવતા રહેવા માટે જોઈએ છે પણ તેના રોવાના નાટક ચાલુ હતા. બેડરૂમનો દરવાજો બંધ કરી રડી રહી છે. હા, સ્ત્રીઓનું તો કામ છે રડ્યા કરવું પણ તમે બંધ રૂમમાં મોટેથી રાડો પાડી રડો કે બહાર છેક સંભળાય ત્યારે તમે સમજો તે રડે છે ફક્ત અટેન્સન માટે! પણ છેવટે મે મારા માટે એક સેન્ડવિચ બનાવી લીધું. તો હું છું સાચો હીરો આ આખી કહાનીમાં! પછી મને યાદ આવ્યું એ નાના કકળાટ અને હેરાન કરવાની ફેક્ટરીને (બોજેકને) લેવા નથી ગઈ. એટ્લે હું અહીંયા આવ્યો, તારી માની જગ્યાએ...” બટરસ્કોચ ઉપરાંત ઘણું સંભળાવે છે. જે એક બાળકને ના કહેવું જોઈએ. આગળ તે જણાવે છે

“બે કલાક બાદ હું લખવા બેઠો. સરસ લખવાની ટ્રેક પકડાઈ ગઈ હતી. સડસડાટ પન્ના હું લખી રહ્યો હતો. આવું થવું બહુ દુર્લભ હોય છે કે સરસ ટ્રેક પકડાઈ હોય, હમણાંથી નવલકથા લખવામાં હું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો કારણ કે મારો ડફોળ દીકરો ટીવીનો અવાજ કાન ફાટી જાય એટલો કરી મૂકે છે. (બોજેક નિરાશ દેખાય છે) રવિવારનો એક દિવસ હોય છે મારા માટે, મારા લખવા માટે, એ દિવસે પણ તુ અને એ બ્લેક હૉલ જેણે તને જનમ આપ્યો બંને મળીને કાવતરું રચી કાઢો છો કેવી રીતે મારો દિવસ ખરાબ કરવો. હવે મારે શું કરવું? પાછો લખવા બેસું? હું એ ઝોનમાંથી/ટ્રેકમાંથી નીકળી ગયો હવે. (આકરા શબ્દોમાં) ફક્ત તારા અને તારી માના લીધે!

પછી (નિસાસો નાખી) ના, તારી મમ્મીનો વાંક નથી. તે પ્રયત્ન કરી રહી છે તને સારું જીવન આપવાનો, તને સારા પાઠ ભણાવાનો.” આ વાક્ય સાંભળી બોજેક પિતા સામે જોવે છે, કે મારા પિતાએ ખરેખર મારા મમ્મીની તારીફ કરી? આટલા વર્ષોમાં ક્યારેય નથી કરી. બાદ બટરસ્કોચ પાઠ સમજાવે છે જે તેમને લાગે છે તેમની પત્નીએ બોજેક માટે કર્યું. “તમે સ્ત્રીઓ પર નિર્ભર ના રહી શકો. તમે કોઈના પર નિર્ભર ના રહી શકો. વહેલા-મોડા તને સમજાઈ જશે કે તારી કાળજી કરવાવાળું કોઈ નથી. એ આજે મને શીખવા મળ્યું જ્યારે મારે મારા માટે સેન્ડવિચ બનાવું પડ્યું. તમે બીજા લોકોના ભરોસે ના રહી શકો બોજેક. સારું છે તુ અત્યારથી આ વાત જાણી ગયો છે. તુ બીજા બાળકો કરતાં આગળ આવી ગયો. તારી મા એક સારી માતા છે તને આ બાબત શીખવાડવા માટે. તુ ઘણો નશીબદાર છો!” ચાર ક્ષણ ગાડીમાં શાંતિ જળવાય છે. બોજેક સૂનમૂન બેઠો છે. તેને એમ બેસેલો જોઈ બટરસ્કોચ ગુસ્સે થાય છે, બોજેક આવો પાઠ શીખ્યા બાદ પણ પિતાનો આભાર નથી માનતો.

ઘટનાના સંકેતો અને સંવાદો પાછળનો ભાવ: “અ ડોલ્સ હાઉસ” ત્રણ અંકનું પ્રસિદ્ધ નોર્વેજિયન નાટક છે. નાટકમાં એક પરિવારની ગ્રહસ્થ અવદશા દર્શાવી છે. જેમાં નોર્માનું જીવન વિસાદ છે. તે જોવે છે તેનું ઘર, તેના લગ્ન જેવા તેણે કલ્પયા હતા તેવા નથી અને પોતે નિર્બળતા અનુભવે છે. લગ્ન, જાતિગત ભૂમિકા અને વ્યક્તિગત ઓળખ જેવી બાબતો આ નાટક સાંકળી લે છે. બોજેકની માતા બીએટ્રિસ તે નાટક સાથે પોતાની તુલના કરે છે. તે પોતાને એનાથી રિલેટ કરી શકે છે. અગાઉના એપિસોડમાં એવા થોડા અણસાર જોવા મળે છે બીએટ્રિસનું બચપણ મુશ્કેલીગ્રસ્ત રહ્યું હશે. તેના પિતા સાથેનો સંબંધ હુંફ ભર્યો ન હતો. જેના પરિણામે તે તેના દીકરા બોજેક સાથે લાગણી ન કેળવી શકી. બીજી તરફ બટરસ્કોચ બીએટ્રિસની સંવેદના અને ભૂતકાળથી અપરિચિત હતો. બીએટ્રિસની મુક્ત જીવન જીવવાની હઠ બટરસ્કોચને પડકાર આપવા કરી રહી હોય એમ લાગતી. બીએટ્રિસનું વ્યસન, હરવા/ફરવાનું અને ઘરનું અશાંત વાતાવરણ બટરસ્કોચના પૂર્વગ્રહનો આધાર બને છે, સ્ત્રીઓ કેવા ચોક્કસ પ્રકારની હોય છે અને એ જ આધારના પરિણામે બટરસ્કોચ પોતાની જાતને યથાર્થ લાગ્યો/હીરો લાગ્યો, જ્યારે તેણે પોતાના માટે સેન્ડવિચ બનાવ્યું.

(વર્તમાન દિવસ)

મોનોલોગ ઓફ બોજેક હોર્સમેન: બોજેક સ્ટેજ પર છે. બાજુમાં કોફિન પડ્યું છે. સ્મશાન હોલમાં બોલવા જઈ રહ્યો છે. તેની માતા મૃત્યુ પામી છે. તેના આજના દિવસની શરૂઆત કેવી રીતે થઈ બોજેક જણાવે છે. બોજેક કહે છે તે એક રેસ્ટોરન્ટમાં નાસ્તો લેવા લાઇનમાં ઊભો હતો. ઓર્ડર લેનાર કન્યા ઉત્સાહી સ્વરે પૂછે છે તમારો દિવસ અદ્ભુત જઈ રહ્યો છે?’ એવું નહીં કે તમારો દિવસ કેવો જઈ રહ્યો છે?’ આવું પૂછીને મને જવાબદારીમાં મૂકે છે એની સાથે અસહમત થવા માટે કે જો મારો દિવસ અદ્ભુત નથી જઈ રહ્યો તો અચાનક હું નકારાત્મક છું. જ્યારે લોકો મને પૂછું કે હું કેમ છું ત્યારે હું કહું નથી બરાબર. પછી પૂછે કેમ, શું થયું? હું કહું મને નથી ખબર પણ આજે ઓર્ડર લેનાર કન્યાએ પૂછ્યું ત્યારે મેં વિચાર્યું આજે મને છૂટ છે ખરાબ મહેસુસ કરવાની. મારી પાસે સારું કારણ હતું. કેમ હું બરાબર નથી. મે કહ્યું મારી મા ગુજરી ગઈ અને તે કન્યા તરત રડવા લાગી. તો હવે મારે એને શાંત પાડવાની, જેની મને ચીડ ચઢે છે.” આવી રીતે મોનોલૉગ શરૂ થાય છે. ભારે ભરખમ સંવાદો, પીડા અને આંસુ આવી જાય એવી અવદશાના ડાઈલોગના વરસાદના આ એપિસોડમાં ડાર્ક હ્યુમર વાર્તાને શણગારે છે. એપિસોડના અંતમાં અને વચ્ચે-વચ્ચે ક્યાંક-ક્યાંક કોમેડીનો અણસાર જોઈ શકાય છે અને ક્યાંક ક્યાંક બોજેક બધુ સામાન્ય હોવાનો ઢોંગ કરતો અને હસી મજાક કરવાનો ફિકો પ્રયાસ કરતો જોવા મળે છે. આખો મોનોલોગ નહીં લખું પણ તેનો સાર જરૂર જણાવીશ.

બચપણથી જ બોજેકનું કૌટુંબિક જીવન શિથિલ થઈ ગયું હતું. ફ્રી ચૂરોમાં બોજેકના તૂટેલા કુટુંબની નકારાત્મક અસરની ભારે ચર્ચા થઈ છે. બોજેક જણાવે છે કેવી રીતે માતા બીએટ્રિસની ઉપેક્ષા અને ભાવનાત્મક દુર્વ્યવહારે તેને સેલ્ફ ડીસ્ટ્રક્ટિવ આદમી બનાવ્યો. બોજેક મદ્યપાન અને સ્વ-કેન્દ્રિત વર્તનને તેની ભાવનાત્મક પીડાનો સામનો કરવાના માર્ગો માને છે. બીએટ્રિસના હુંફ/સ્નેહના અભાવે બોજેકને કઠોર અને માનસિક રીતે ઘાયલ કરી દીધો. માતા બીએટ્રિસની સતત ટીકા અને લાગણીની વિમુખતાએ બોજેકના આત્મસન્માન અને ઈમોશનલ મેચ્યોરિટી પર ભેદી અસર પાડી.

બોજેકનો દ્રષ્ટિકોણ તેની ધારણા અને યાદશક્તિની વિશ્વસનીયતા પર પ્રશ્ન કરે છે. ભૂતકાળની ઘટનાઓ વિશે બોજેકની ધારણા સંપૂર્ણપણે સચોટ લાગતી નથી. માતા બીએટ્રિસનું પોતાનું બાળપણ દુખદ અને મુશ્કેલીગ્રસ્ત રહ્યું હતું. આ બધી બાબતો તેના વાલીપણા શૈલીને પ્રભાવિત કરી હોય એવું માની શકાય છે. બીએટ્રિસ અને બટરસ્કોચની વચ્ચે ક્રિયા-પ્રતિક્રિયા દર્શાવવામાં આવી છે. જો કે, તે ગર્ભિત છે કે તેમના પોતાના પરેશાન લગ્ન અને વ્યક્તિગત સમસ્યાઓ તેમના ઉપેક્ષિત વાલીપણામાં ફાળો આપે છે બોજેકના મોનોલોગમાં પીડા અનુભવી શકાય છે. સંઘર્ષ જાણી શકાય છે. તેની માતા સાથેના સંબંધમાં તણાવ જોઈ શકાય છે. આ બધામાં બોજેક મા સાથેના ભાવનાત્મક અંતર વચ્ચે સમાધાન શોધવામાં સંઘર્ષ અનુભવે છે. બોજેકના દ્રષ્ટિકોણથી તેની મૃત માતા કોલ્ડ, ઉપેક્ષા કરનારી ચાલાક વ્યક્તિ હતી. આવું માનવા માટે બોજેક પાસે અતીતની ઘટનાઓ અને ધારણાઓ છે.

શું બીએટ્રિસ સારી માતા હતી? બીએટ્રિસનો નકારાત્મક પ્રભાવ બોજેકના જીવન પર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો છે. તેણીની ઉપેક્ષા અને ભાવનાત્મક દુર્વ્યવહાર બોજેકના સ્વ-વિનાશક વર્તનમાં ફાળો આપે છે. માતા બીએટ્રિસના અંતિમ શ્વાસ પહેલા બોજેક મળવા જાય છે. હોસ્પિટલના રૂમમાં દાખલ થાય છે. બીએટ્રિસ બોજેકને જોવે છે અને બોલે છે: “I see you!” આ ત્રણ શબ્દોનું અર્થઘટન શું કરવું? તે બોજેકને નથી સમજાતું. તે અલગ-અલગ અર્થ નિકાળી જોવે છે. તેના અર્થઘટન જાણવા જરૂર આ એપિસોડ જોવો જ રહ્યો.

ટુ એન્ડ અ હાલ્ફ મેન સીરિઝના એક સીનમાં સમાન વસ્તુ દર્શાવી છે. એક દ્રશ્યમાં ચાર્લીને મૌતનો અનુભવ થાય છે અને તેને તેના મૃત પિતા દેખાય છે. તેના પિતા તેની સાથે વાત કરતાં કહે છે: Take care of your mother!” આ વાક્યનો સામાન્ય અર્થ થાય તારી માતાનું ધ્યાન રાખજે. ચાર્લી પણ એમ માની તેની માતાની કાળજી લેવાની શરૂ કરે છે. એપિસોડના અંતમાં તેને આ શબ્દોનો અલગ મર્મ સમજાય છે. કોઈ વ્યક્તિના અંતિમ શબ્દો આવા અધૂરા અર્થઘટન કરાવી શકે છે.

બોજેક હોર્સમેન સિરીઝના અમુક સીનમાં સૂક્ષ્મ રીતે દર્શાવ્યું છે બીએટ્રિસના પોતાના ઉછેરની તેના વાલીપણા પર કેવી અસર પડી હશે. એવો સંકેત છે કે તેણીએ બાળક તરીકે સમાન ઉપેક્ષાનો અનુભવ કર્યો હશે, જે પરિવારમાં ભાવનાત્મક અસમન્વયનું ચક્ર બનાવે છે. "ફ્રી ચુરો" એક શક્તિશાળી અને ભાવનાત્મક એપિસોડ છે જે નિષ્ક્રિય બાળપણની કાયમી અસરની શોધ કરે છે.

*

ફાઇવ-ઑ (બેટર કોલ સોલ E6-S1)

“મેં મારા દીકરાને ભાંગી નાખ્યો!” માઇક અરમનટ્રાઉટ તેની વિધવા પુત્રવધૂ સ્ટેસીને કહે છે. અંતિમ વખત માઇક અને તેના પુત્ર મેટે મોડી રાતે ફોન પર વાત કરી હતી. વાત વણસી જતાં મેટ ગુસ્સામાં તેના પિતા સાથે બોલચાલ કરી રહ્યો હતો. મેટે આવેશમાં આવી ફોન મૂક્યો અને થોડા દિવસો બાદ મેટના મૃત્યુના અશુભ સમાચાર મળે છે. ડ્રગ ઉત્પાદકો અને ગેંગ વોરની લોકપ્રિય સીરિઝ બ્રેકિંગ બેડના દ્વિતીય ભાગ બેટર કોલ સોલમાં આ અદ્ભુત મોનોલોગ આવે છે. માઇક નિવૃત્ત પોલીસ ઓફિસર છે. જેનો દીકરો પણ પોલીસ ઓફિસર હતો. અમેરિકાનો આ એ સમય હતો જ્યારે ડ્રગ્સનું ચલણ પ્રારંભના સર્વોચ્ચ સ્થાન પર હતું. જેમાં સરકારી અધિકારીઓ, મિનિસ્ટરોથી લઈને પોલીસ અફસરો બધા જ ભ્રષ્ટ હતા.

માઇક સર્વિસમાં હતો ત્યારે પોતે રૂશ્વત લેતો હતો અન્ય અફસરોની જેમ, પરંતુ તેણે દીકરા મેટને સારા સંસ્કાર આપ્યા હતા. તેણે મેટને નૈતિક અને જવાબદાર વ્યક્તિ બનાવ્યો હતો. જ્યારે મેટ પોલીસ અફસર બન્યો ત્યારે તેની પાસે પણ સમાન પરિસ્થિતી આવી જ્યાં તે રૂશ્વત લઈ શકતો હતો અથવા નૈતિક રહી શક્યો હોત. મેટે રૂશ્વત લેવી જોઈએ કે નહીં? તે નૈતિકતા જાણતો હતો પણ આ બાબત તેને તેના સાથી અફસરોથી વિમુખ કરી રહી હતી. આ સમસ્યાને લઈને દીકરો મેટ પિતા માઇક પાસે સલાહ લેવા કોલ લગાવે છે. માઇક નૈતિક દુવિધામાં મુકાય જાય છે. તે જાણતો હતો નૈતિક સલાહ શું હતી પણ તે સલાહ મેટનું જીવન જોખમમાં મૂકી દેશે.

જ્યારે સંપૂર્ણ સિસ્ટમ કરપ્ટ હોય ત્યાં નૈતિકતાની પીપૂડી વગાડવી સલાહનીય નથી. માણસની નૈતિકતા અન્યને ખતરારૂપ લાગવા લાગે છે. એ જ માણસો આ ખતરાને નાબૂદ કરવા કાઇપણ કરી શકે છે, કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ વાત માઇક બખૂબી જાણતો હતો માટે તેણે સત્ય કહ્યું. તેણે દીકરાને રૂશ્વત લેવા જણાવ્યુ. પોતાના આઇડલ, પોતાના પિતા આવી વાત કેવી રીતે કરી શકે છે? આ બાબતથી મેટ રોષે ભરાય છે અને પિતા સાથે વાત કરવાનું બંધ કરે છે. માઇક મેટને રૂશ્વત લેવા મજબૂર કરે છે. દીકરો રૂશ્વતના પૈસા કમને લઈ લે છે. છતાં, માઇકને દીકરો ગુમાવો પડ્યો. રૂશ્વતખોરનો કલંક મેટના માથે લાગી જાય છે અને મૃત્યુ બાદ લોકો તેને એક ભ્રષ્ટ ઓફિસર તરીકે જોવાના. આની સામે માઇક તેની પુત્રવધૂને સમજાવે છે. તેનો પતિ કરપ્ટ ન હતો. મેટ માર્યો ગયો એની પ્રતિક્રિયામાં માઈકે શું કર્યું? સ્ટેસીને જાણવું હતું. તે માઇકને પૂછે છે. સામે માઇક પ્રશ્ન કરે છે તું જાણે છે શું થયું હતું. પ્રશ્ન એ છે શું તું એની સાથે જીવી શકીશ?” અર્ધી રાતના ઘરના મુખ્ય કક્ષમાં અંધારામાં સ્ટેસી અને માઇક બેઠા છે. માઇક પ્રશ્ન મૂકે છે? કક્ષમાં શાંતિ જળવાઈ રહે છે અને એપિસોડ પૂર્ણ થાય છે.

નૈતિકતા ફક્ત બાળકોને શીખવવા પૂરતી જ નથી બોલવાની હોતી. જીવનમાં આચરણમાં નહીં લો તો તમારે અથવા તમારા નજીકના પ્રિય લોકોએ તેનું ફળ ભોગવવું જ પડશે. જો માઈકે રૂશ્વત ના લીધી હોત તો કદાચ મેટ જીવતો હોત. આ વસ્તુના ગિલ્ટમાં માઇકે જીવન ગુજારવું પડશે અને સંતાપ આખી જિંદગી રહેવાનો. આ મોનોલોગની ખાસિયત એ છે કે પાત્રો, તેમના સંવાદ અને સ્ક્રીન પરનું દ્રશ્ય ખૂબ જ ક્રિયાત્મક અને હ્રદયસ્પર્શી દેખાય છે. આ કળા છે.


- કીર્તિદેવ

Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ