THE OTHER SIDE OF THE DOOR (2016) મૂવી રિવ્યુ
શ્રેણી: હોરર/થ્રીલર
કાસ્ટ: વિદેશી પરિવાર, એમની ભારતીય કામવાળી,
બેએક ડઝન અઘોરી બાવા અને મોઢા વગરની ભૂતડી.
વાર્તા: મુંબઈના એક રસ્તા પર મોટો ભૂવો પડતાં અકસ્માત સર્જાય છે. (આવી માનવસર્જિત આપત્તિ માટે યોગ્ય દેશની પસંદગી કરવા બદલ નિર્માતાને વંદન) અકસ્માતમાં મારિયા તેના દીકરાને ગુમાવી બેસે છે. દીકરાને ગુમાવાના શોકમાં રઘવાઈ બની જાય છે. મહિનાઓ વીતી જાય છે. દીકરાને નહીં બચાવી શકવાનો અપરાધભાવ મારિયાને અંદરથી કોરી ખાય છે, જેથી તેની ઊંઘ અનિયમિત બની જાય છે. મારિયાની અવદશા જોઈ તેની કામવાળી પિકીને દયા આવે છે. તે મારિયાને સલાહ આપે છે કે મારિયા અંતિમ વખત તેના પુત્ર સાથે વાત કરી શકે છે. તેની પાસે એક ઉપાય છે, જેનાથી તે પોતાના પુત્રને છેલ્લી વાર ગુડ બાય કહી સરખી રીતે વિદાય આપી શકે છે. મારિયાના કાન સરવા થાય છે. પિકી આગળ વાત માંડે છે. પુત્ર સાથે અંતિમ મુલાકાત કરવા તેણે પુત્રનું મૃત શરીર કબરમાંથી બહાર નિકાળવું પડશે. પિકી મારિયાના પુત્ર પર મંત્રજાપ કરશે. બાદ મારિયાએ દક્ષીણ ભારતના એક ગામમાં જઈ, દૂર જંગલમાં જર્જરિત બંધ મંદિરમાં જવું પડશે, મંદિરના દરવાજા અંદરથી બંધ કરી વળગાડની ક્રિયા કરવી પડશે. પિકી તેને ચેતવે છે, આ સમગ્ર ક્રિયા દરમિયાન કોઈ કાળે તેણીએ મંદિરનો દરવાજો ખોલવો નહીં. મારિયા આ કામ માટે હા પાડે છે, તે તેના પુત્રને મળી રાજી થાય છે, દીકરાને પોતાના અંતરની વાત કહી મન હળવું કરે છે. અહીંથી પરિસ્થિતિ વળાંક લે છે અને અકલ્પનીય ઘટનાઓ ઘટે છે.
ફિલ્મનો વિષય અત્યંત રોચક અને નવીન છે. આખી ફિલ્મ ગઝબ થ્રીલર છે. મેં આની પહેલા પણ લખ્યું હતું કે પશ્ચિમની ફિલ્મોમાં દર્શાવાતું ભારત અને ભારતીય ફિલ્મોમાં દર્શાવાતું ભારત વિભિન્ન હોય છે. આ બાબત યથાર્થ એટલા માટે છે કારણ જે-તે પ્રદેશના નિર્દેશકોની દ્રશ્ય નિરૂપણ શૈલી જુદી હોય છે. હિન્દી ફિલ્મોમાં દર્શાવાતું વિદેશ આપણને જુદું નહીં લાગે પણ હોલિવૂડમાં એ જ પ્રદેશ અલગ લાગે છે. ફિલ્મમાં મુંબઈની ભીડ, ગલીઓ, દક્ષિણ ભારતનું ગામડું વાસ્તવિક રજૂ કર્યું છે. ધી અધર સાઈડ ઓફ ધ ડોરના નિર્દેશકોને બિરદાવા પડે આ ફિલ્મ માટે. તેઓએ પોતાની શૈલીમાં વાસ્તવ ભારત સારી રીતે દર્શાવ્યું છે. ફિલ્મમાં અઘોરીઓના દેખાવ અને સીન હ્રદય થડકાવનારા છે. દીકરાના મૃત શરીરને કબરમાંથી નિકાળી તેના પર મંત્રક્રિયા કરવાવાળો સીન હ્રદયમાં થરથરાટી પેદા કરી મૂકે એવો છે. મ્યુઝિક અને ફિલ્મનું અંતિમ દ્રશ્ય દર્શકના રૂંવાડા ઊભા કરી દેશે. અંતિમ દ્રશ્ય ખરેખર દર્શકોને ખુરશીના તળિયે લાવી દઈ અધીરા બનાવી દે એવું છે. આવી ફિલ્મ ભારતમાં જ બની શકે. સાચો માતૃપ્રેમ આ ફિલ્મમાં દેખાય આવે છે. ફિલ્મના કેટલાક દ્રશ્ય જોનારને મૂંઝવી શકે છે પણ જો ધ્યાનપૂર્વક જોશો તો કડીઓ જોડી શકશો.
મારિયાએ તેના પતિથી છેક સુધી હકીકત કેમ છુપાવી રાખી તે પાછળનું તર્ક નથી સમજાતું. એ જ બાબત અવદશા ઊભી કરે છે. પિકી અને તેની દીકરીનો સંબંધ ફિલ્મમાં ગંભીરતા વધારે છે. Hereditary નામની હોરર ફિલ્મમાં પણ પારિવારિક સમસ્યાઓ અંતર્ગત હોરર દર્શાવ્યું છે. તે ફિલ્મ પણ જોવા જેવી છે. જેનો અંત સમજવા ગ્રીક માઇથોલોજીની જાણ હોવી જરૂરી છે.
ધ આશ્રમ(2018) નામની હોલીવુડની ફિલ્મમાં મૃત્યુ બાદની દુનિયા અને પ્રિય વ્યક્તિને મળવાની સુંદર રજૂઆત દર્શાવી છે. આશ્રમ ફિલ્મમાં એવું ભારત દર્શાવ્યું છે જ્યાં રહેવાનુ મન ભારતીયોને થાય. હોલીવુડ વખતો વખત ભારત દેશમાં ભારતીય સંસ્કૃતિ અને આચાર/વિચાર પર આવી કલાત્મક ફિલ્મો બનાવતુ રહ્યું છે. ધી અધર સાઈડ ઓફ ધ ડોર(2016) ફિલ્મ સાબિતી છે ભારતની અંદર એવા રોચક કોન્સેપ્ટ છે જેના પરની ફિલ્મો વિશ્વમાં સૌને આકર્ષી શકે છે. કાલા બંદર પર દિલ્હી સિક્સ ફિલ્મ આવી, સ્ત્રી ફિલ્મ રાજસ્થાનના એક ગામની આવી, અન્ય પણ એવા ઘણા સમાચાર અને લોક વાયકા તમે સાંભળી હશે જેના પર ફિલ્મો બને તો જોવા જેવી થાય; થોડા વરસો પહેલા રાજસ્થાન/ગુજરાતના કેટલાક પ્રદેશમાં રોજ રાત્રે સ્ત્રીઓના ચોટલા કપાઈ જવાની ઘટનાઓ સમાચારમાં આવી હતી. આવી અન્ય ઘણી લોકવાયકા આવી હશે. જેના ફિલ્મ/સીરિઝ બની શકે છે. તમે કઈ લોકવાયકા પર ફિલ્મ જોવા માંગશો?
હું આ ફિલ્મને આઠ(8) સ્ટાર આપું છું.
-કીર્તિદેવ









Comments
Post a Comment